ચોટીલામાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો: 5 લાખ શ્રદ્ધાળુઓની ભીડમાં તંત્રના દાવાઓ ધોવાયા, ભારે અફરાતફરી!
- મા ચામુંડાના દર્શને માનવ કીડીયારૂ ઉભરાયું - ધક્કામુક્કી વધતા ડુંગરના દરવાજા બંધ કરવા પડ્યા, હાઈવે પર ટ્રાફિક જામ
- રોપવેના નિર્માણધીન રસ્તે શ્રદ્ધાળુઓનું જોખમી ચઢાણ - તંત્રના અણઘડ આયોજનથી લાખો ભક્તો કલાકો સુધી અટવાયા
- સરકારી હોસ્પિટલ અને બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોનો ખડકલો - દર્દીઓ અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી
યાત્રાધામ ચોટીલા ખાતે આજે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મા ચામુંડાના દર્શન કરવા માટે ભક્તોનું કીડીયારૂ ઉભરાયું હતું. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડુંગર પર બિરાજમાન માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે વહીવટી તંત્રના ચુસ્ત બંદોબસ્તના દાવાઓની પોલ ખુલી ગઈ હતી. અપૂરતી વ્યવસ્થા અને ભીડના અયોગ્ય આયોજનને કારણે ડુંગર પર ભારે અફરાતફરી સર્જાઈ હતી, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે થોડા સમય માટે ડુંગરના દરવાજા પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ભીડ એટલી પ્રચંડ હતી કે ડુંગર પર ચઢવા માટેના પગથિયાં ઓછા પડ્યા હતા. કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાને બદલે અનેક ઉત્સાહી ભક્તોએ ડુંગરની આડશ અને પથરાળ રસ્તેથી જોખમી રીતે ચઢાણ શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં અત્યારે ફ્યુનિક્યુલર રોપવે સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે, તે નિર્માણધીન અને અસુરક્ષિત રસ્તે પણ લોકો જીવના જોખમે ચઢી રહ્યા હતા. આ દ્રશ્યો જોતા જો કોઈ નાની એવી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેની જવાબદારી લેવા માટે વહીવટી તંત્ર પાસે કોઈ સ્પષ્ટ પ્લાન હોવાનું જણાયું નહોતું.
યાત્રાધામમાં પાર્કિંગની વર્ષો જૂની સમસ્યા ચૈત્રી પૂનમે વધુ વિકરાળ બની હતી. તળેટીના પાર્કિંગ પ્લોટ્સ વહેલી સવારથી જ હાઉસફુલ થઈ જતાં લોકોએ મજબૂરીવશ પોતાના વાહનો સરકારી હોસ્પિટલના કેમ્પસ અને પીક-અપ બસ સ્ટેન્ડમાં પાર્ક કરી દીધા હતા. આ અણઘડ પાર્કિંગના કારણે ગંભીર હાલતમાં આવતા દર્દીઓ અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા વૈકલ્પિક પાર્કિંગ માટે કોઈ પૂર્વ આયોજન કરવામાં આવ્યું ન હોવાનો રોષ શ્રદ્ધાળુઓએ ઠાલવ્યો હતો.
વાહનવ્યવહારની વાત કરીએ તો રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પણ ભીડના સકંજામાંથી બચી શક્યો નહોતો. ચોટીલા ગામની હદમાં હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. દોઢ કિલોમીટર જેટલું અંતર કાપવા માટે વાહનોને 40 મિનિટથી વધુ સમય લાગતો હતો. હજારો ખાનગી વાહનો અને બસોના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પોલીસ જવાનો ટ્રાફિક હળવો કરવા મથી રહ્યા હતા, પરંતુ ભક્તોના અવિરત પ્રવાહ સામે તમામ પ્રયાસો ટૂંકા પડ્યા હતા.
આગામી વર્ષોમાં જ્યારે ચૈત્રી પૂનમ જેવા મોટા તહેવારો આવે ત્યારે તંત્ર દ્વારા અગાઉથી માસ્ટર પ્લાન તૈયાર કરવો જરૂરી બન્યો છે. ભલે શ્રદ્ધાળુઓની આસ્થા અડીખમ હોય, પરંતુ તેમની સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓ જળવાય તે જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની છે. આજે ચોટીલાના ડુંગર પર અને હાઈવે પર જે દ્રશ્યો જોવા મળ્યા તે આગામી મેળા અને તહેવારો માટે 'લાલબત્તી' સમાન છે. ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા, પરંતુ તંત્રની અવ્યવસ્થાને કારણે કડવો અનુભવ પણ ઘરે લઈને પરત ફર્યા હતા.