Loading Please Wait !!!
સિનેમામાં ફિલ્મોનું બજેટ વધ્યું વાર્તા પાછળ છૂટી

 

  • આમિર ખાન દ્વારા સિનેમાની સામાજિક અસર વર્ણવાઈ

  • ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટ આધારિત ફિલ્મો મળી

  • ઉગતા બાળકો પર ફિલ્મોની સકારાત્મક અસર પડે

સિટી ન્યુઝ @ મુંબઈ

આજના સમયમાં સિનેમા જગતમાં ફિલ્મોનું બજેટ ખૂબ જ વધ્યું છે, મોટા કલાકારોની ફીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે અને ફિલ્મોનું પ્રમોશન પણ ધમાકેદાર રીતે થવા લાગ્યું છે. જોકે, આ બધી ચમક-ધમક વચ્ચે એક મહત્વની બાબત ક્યાંક પાછળ છૂટી જતી સ્પષ્ટ દેખાય છે, અને તે છે મજબૂત વાર્તા. એક એવી વાર્તા જે મનોરંજન પૂરું પાડવાની સાથેસાથે દર્શકોના દિલમાં ઊંડી છાપ છોડી જાય. આ ચિંતા એટલા માટે પણ વધી ગઈ છે કારણ કે છેલ્લાં કેટલાક વર્ષોથી એક્શન, મારધાડ અને થ્રિલર ફિલ્મો જ થિયેટરમાં ટકી રહી છે અને કમાણીના મામલે આગળ નીકળી રહી છે.

અભિનેતા-નિર્દેશક આમિર ખાનનું માનવું છે કે સિનેમાની સામાજિક અસર હંમેશાં તરત જ દેખાતી નથી, પરંતુ તે લાંબા સમય સુધી લોકોના જીવન પર બની રહી શકે છે. બાળકો જ્યારે 'તારે ઝમીન પર' કે '3 ઈડિયટ્સ' જેવી ફિલ્મો જુએ છે, ત્યારે તેઓ પોતાના જીવન અને કારકિર્દી વિશે સકારાત્મક નિર્ણયો લેવા માટે પ્રેરિત થાય છે. આ સિનેમા દ્વારા આવતો વાસ્તવિક સામાજિક બદલાવ છે, જે ભવિષ્યમાં દેશની પ્રગતિ અને વ્યવસ્થામાં મોટો હિસ્સો ભજવે છે.

ફિલ્મ વિવેચકોનું વિશ્લેષણ છે કે નાના બજેટ અને સંદેશાત્મક ફિલ્મો માટે દર્શકોનો પ્રેમ જરાય ઓછો થયો નથી, પરંતુ તેમનું જોવાનું માધ્યમ બદલાઈ ગયું છે. '12 ફેલ', 'લાપતા લેડીઝ' અને 'મીમી' જેવી ફિલ્મોને દર્શકોએ ખૂબ જ વખાણી છે, પરંતુ આમાંથી ઘણી ફિલ્મોને સાચી પહોંચ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા મળી છે. આજે દર્શક સંવેદનશીલ વિષયો પસંદ તો કરે છે, પણ મોટા પડદાને એક 'ઈવેન્ટ' માનીને માત્ર એક્શન અને મોટા સિતારાઓ જોવા માટે જ થિયેટર જવાને પ્રાથમિકતા આપે છે.

ભૂતકાળમાં 1954ની 'જાગૃતિ', 'બૂટ પોલિશ', 'નયા દૌર' અને હૃષીકેશ મુખર્જીની 'આનંદ' કે 'અભિમાન' જેવી ફિલ્મોમાં સંદેશ વાર્તાનો કુદરતી હિસ્સો બનતો હતો, જેમાં કોઈ ઉપદેશ આપવામાં આવતો નહોતો. વાર્તા પૂરી થતી અને તેની સુંદર શીખ આપોઆપ મનમાં ઊતરી જતી હતી. આજે મસાલેદાર ફિલ્મોની બોલબાલા વચ્ચે એ પ્રશ્ન અનિવાર્ય બની જાય છે કે શું બજાર માત્ર એ જ બનાવે છે જેની માંગ દર્શકો કરે છે, કે પછી અર્થપૂર્ણ ફિલ્મો યોગ્ય રીતે રજૂ થતી નથી?

સારી વાર્તાઓ અને અર્થપૂર્ણ સિનેમાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ માત્ર નિર્માતાઓની જ નહીં, પરંતુ દર્શકોની પણ જવાબદારી છે. જો માત્ર મસાલો જ સફળ થશે તો સિનેમાઈ સમજ અને ઊંડાણપૂર્વકનું કન્ટેન્ટ કાયમ માટે પાછળ રહી જશે, જે કલા જગત માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.

સિનેમા અને સામાજિક પ્રભાવ

ફિલ્મો માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ સમાજને નવી દિશા અને વિચારધારા આપવાનું સક્ષમ માધ્યમ પણ છે.