ગુજરાતમાં વસ્તી ગણતરી પર 'બ્રેક': સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સરકારનો મોટો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર થશે
- 5 એપ્રિલથી શરૂ થનારી ડિજિટલ જનગણના હાલ પૂરતી મુલતવી - ચૂંટણી પ્રક્રિયામાં વહીવટી તંત્ર વ્યસ્ત હોવાથી લેવાયો નિર્ણય
- 26 એપ્રિલના મતદાનને કારણે જનગણના વિભાગની દરખાસ્ત મંજૂર - નવી તારીખ અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત.
- આઝાદી પછી પહેલીવાર થનારી જાતિ આધારિત ગણતરી હવે ચૂંટણી બાદ - 260 તાલુકા પંચાયતોની ચૂંટણી પર તંત્રનું ધ્યાન
ગુજરાતમાં 5 એપ્રિલથી જે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની હતી તે હવે અનિશ્ચિત સમય માટે પાછી ઠેલાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ચૂંટણીના કામમાં આખું વહીવટી તંત્ર અને શિક્ષકો વ્યસ્ત હોવાથી વસ્તી ગણતરીની કામગીરીમાં અસર પહોંચે તેમ હતી, જેના કારણે જનગણના વિભાગની દરખાસ્તને સરકારે મંજૂરી આપીને આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
ભારતમાં આ વખતે વસ્તી ગણતરી ઐતિહાસિક રહેવાની છે કારણ કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થવાની છે. 1 એપ્રિલથી દેશના અન્ય ભાગોમાં પ્રથમ તબક્કો શરૂ થઈ ચૂક્યો છે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી એટલે કે 'હાઉસ લિસ્ટિંગ' કરવામાં આવશે. ગુજરાતમાં પણ 5 એપ્રિલથી ઓનલાઇન સ્વ-ગણતરી અને 20 એપ્રિલથી રૂબરૂ મુલાકાતનું આયોજન હતું, જે હવે નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી અટકી ગયું છે. ફેબ્રુઆરી 2027 માં બીજા તબક્કામાં લોકોની જાતિ વિશે પણ પૃચ્છા કરવામાં આવશે, જે 1931 પછી પ્રથમવાર બની રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો, 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થવાનું છે. આટલી મોટી લોકશાહીની પ્રક્રિયા વચ્ચે વસ્તી ગણતરી કરવી શક્ય ન હોવાથી સરકાર આ નિર્ણય લેવા મજબૂર બની છે. 28 એપ્રિલે મતગણતરી પૂર્ણ થયા બાદ મે મહિનામાં વસ્તી ગણતરીની નવી તારીખો જાહેર થવાની પ્રબળ શક્યતા છે.
નાગરિકોએ વસ્તી ગણતરી દરમિયાન કુલ 33 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે વસ્તી ગણતરીના નામે જો કોઈ તમારી બેંક વિગતો, ઓટીપી (OTP) કે માસિક આવક પૂછે તો તેવા જવાબ આપવા નહીં. આ વખતે મકાનોની ગણતરીમાં 'જિયો-રેફરન્સિંગ' ટેકનિકનો ઉપયોગ થવાનો હોવાથી ગણતરીમાં ભૂલ રહેવાની શક્યતા નહિવત છે.
હાલમાં તો સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકોટ સહિતના મહાનગરોમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી અને પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વસ્તી ગણતરી મોકૂફ રહેવાથી વહીવટી અધિકારીઓને થોડી રાહત મળી છે, જેથી તેઓ ચૂંટણીની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે. હવે નવી તારીખોની જાહેરાત મે મહિનાના પ્રથમ સપ્તાહમાં થાય તેવી આશા સેવાઈ રહી છે.