16 વર્ષ બાદ દેશમાં વસ્તી ગણતરીનો પ્રારંભ: 17મી મેથી ગુજરાતમાં ડિજિટલ ‘સ્વ-ગણતરી’
- અમદાવાદમાં 11,600 ગણતરીદારો ઘરે-ઘરે જશે; 1લી જૂનથી ડોર-ટુ-ડોર સર્વે શરૂ
- મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન માહિતી ભરી શકાશે; ગુપ્તતા જાળવવા ડિજિટલ વિકલ્પ
- શિક્ષકો અને સરકારી કર્મચારીઓને અપાયા ઓર્ડર; 6 થી 7 ગણતરીદારો પર એક સુપરવાઈઝર રાખશે નજર
સિટી ન્યુઝ @ અમદાવાદ
ભારતમાં છેલ્લે વર્ષ 2011માં વસ્તી ગણતરી પ્રક્રિયા થયા બાદ હવે 16 વર્ષે ફરીથી જનગણનાની કામગીરી શરૂ થઈ રહી છે. 'જનગણના 2027' અંતર્ગત પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 17મી મેથી ઘરયાદી અને ઘર ગણતરીની મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતની વસ્તી ગણતરીની ખાસિયત એ છે કે નાગરિકો ડિજિટલ માધ્યમથી પોતે જ પોતાની વિગતો ભરી શકશે. 17મી મેથી ડિજિટલ સ્વ-ગણતરી શરૂ થશે, જ્યારે 1લી જૂનથી નિમાયેલા ગણતરીદારો દ્વારા ડોર-ટુ-ડોર જઈને માહિતી એકત્ર કરવામાં આવશે.
વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં દરેક ઘર અને કુટુંબની ગણતરી કરવામાં આવશે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી થશે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ વિભાગ દ્વારા આ કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સ્વ-ગણતરીની પ્રક્રિયામાં કુટુંબના કોઈપણ એક સભ્યએ પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ પર ઘરની સુવિધાઓ અને પરિવારને લગતા પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે.
આ વખતની જનગણનામાં કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં ઘર માલિકીનું છે કે ભાડાનું, ઘરમાં પાણીની સુવિધા, બાથરૂમ, ગેસ કનેક્શન, લેપટોપ અને ઈન્ટરનેટ જેવી ભૌતિક સુવિધાઓ અંગેની માહિતી મેળવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે કુટુંબ પોતાની માહિતી ગુપ્ત રાખવા માંગતા હોય, તો તેઓ 17મીથી શરૂ થતી ડિજિટલ સ્વ-ગણતરીનો ઉપયોગ કરી શકે છે. ઓનલાઈન માહિતી ભર્યા બાદ એક કોડ જનરેટ થશે, જે માત્ર ડોર-ટુ-ડોર પ્રક્રિયા સમયે આવનાર ગણતરીદારને આપવાનો રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્સસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી માટે 11,600થી વધુ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શિક્ષકો, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓનો સમાવેશ થાય છે. વહીવટી માળખા મુજબ, દર 6 થી 7 ગણતરીદારો પર એક સુપરવાઈઝરની નિમણૂક કરાઈ છે. સુપરવાઈઝર સહિત કુલ 17,000 થી વધુ સરકારી કર્મચારીઓ આ ભગીરથ કાર્યમાં જોડાઈને ડેટા એકત્રિત કરશે.
જે નાગરિકો ડિજિટલ માધ્યમથી માહિતી ભરી શકવા સક્ષમ નથી, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. તેમના ઘરે 1લી જૂનથી ગણતરીદારો રૂબરૂ મુલાકાત લેશે અને 33 પ્રશ્નોની માહિતી મેળવીને સિસ્ટમમાં અપડેટ કરશે. 16 વર્ષ બાદ થઈ રહેલી આ વસ્તી ગણતરી દેશના ભાવિ આયોજન અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. તંત્ર દ્વારા આ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.