Loading Please Wait !!!
રાજકોટમાં CGST સુપ્રિટેન્ડન્ટ અને વકીલના 36 કલાકના રિમાન્ડ મંજૂર

  • 20 લાખની લાંચના કેસમાં ભ્રષ્ટ અધિકારીની મિલકતોની તપાસ માટે કોર્ટનો કડક આદેશ.
  • તપાસમાં સહકાર ન આપતા એસીબીએ માંગ્યા રિમાન્ડ; વકીલ અને અધિકારી વચ્ચેના જૂના વ્યવહારો ખુલશે.
  • ખોટા બિલોના કેસમાં પતાવટ માટે સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમારે માંગ્યા હતા લાખો રૂપિયા

રાજકોટની CGST કચેરીમાં GST નંબર અને ખોટા બિલોના મામલાની પતાવટ માટે 20 લાખની તોતિંગ લાંચ માંગનાર સુપ્રિટેન્ડન્ટ અને લાંચની રકમ સ્વીકારનાર ટેક્સ કન્સલ્ટન્ટને ખાસ કોર્ટે 36 કલાકના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. એસીબી દ્વારા ઝડપાયેલા આ બંને આરોપીઓની શારીરિક હાજરી તપાસ માટે બિનજરૂરી હોવાની બચાવ પક્ષની રજૂઆતને કોર્ટે ફગાવી દીધી હતી.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી વિરુદ્ધ GST નંબર અને ખોટા બિલ બનાવવા બાબતે અરજી થઈ હતી. આ અરજીમાં કોઈ મોટો કેસ ન કરવાના અવેજમાં CGST સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધકુમારે 25 લાખની માંગણી કરી 20 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. અધિકારીએ આ રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવ્યું હતું. ગત 28 એપ્રિલના રોજ રાત્રિના સમયે અધિકારી વતી આકાશ 20 લાખ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

રિમાન્ડની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ ધારદાર રજૂઆત કરી હતી કે, આરોપીઓએ અત્યાર સુધી માત્ર પસંદગીની હકીકતો જ જણાવી છે અને પોતાની કે પરિવારની મિલકતો વિશે મૌન સેવ્યું છે. CGST ના ક્લાસ વન અધિકારી દ્વારા લાંચ સ્વીકારવા માટે કોઈ કન્સલ્ટન્ટની પસંદગી કરવી તે બાબત સૂચવે છે કે બંને વચ્ચે ભૂતકાળમાં પણ આવા અનેક વ્યવહારો થયા હોવા જોઈએ. 20 લાખ જેવી મોટી રકમની માંગણી એ અધિકારીની લાંચ લેવાની નિર્ભયતા દર્શાવે છે, જેની ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.

બીજી તરફ, આરોપીઓ તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓએ તપાસમાં મુદ્દાઓ જણાવી દીધા હોવાથી હાજરીની જરૂર નથી. જોકે, સ્પેશિયલ કોર્ટના જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું કે ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવા અને અધિકારીની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે આરોપીઓની પોલીસ કસ્ટડી અનિવાર્ય છે.

આ હુકમ બાદ એસીબીની ટીમ હવે બંને આરોપીઓને સાથે રાખીને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરશે. ખાસ કરીને ક્લાસ વન અધિકારી મુકેશકુમારના ઘર અને અન્ય મિલકતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. રાજકોટના સરકારી વિભાગોમાં આટલી મોટી લાંચના કેસ અને ત્યારબાદ થયેલા કડક કોર્ટ હુકમથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે રિમાન્ડ દરમિયાન અન્ય કેટલા મોટા કૌભાંડો પરથી પડદો ઉંચકાય છે.