શેત્રુંજય ગિરિરાજ પર આસ્થા પર પ્રહાર: ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ ચોરી થતા જૈન સમાજ સ્તબ્ધ
- પાલીતાણામાં સુરક્ષા ક્ષતિ સામે ઉઠ્યા સવાલ; ગુનેગારોને ઝડપી પાડી મૂર્તિ પુનઃ સ્થાપિત કરવા માંગ
- શ્રદ્ધાળુઓની આસ્થા પર આઘાત; પોલીસ પ્રશાસન અને પેઢીને સુરક્ષા વધારવા જૈન શ્રેષ્ઠીઓની અપીલ
- પાલીતાણા જેવી પવિત્ર ભૂમિ પર બનેલી ઘટનાથી ખળભળાટ; જૈન સમાજમાં ભારે રોષ
સિટી ન્યૂઝ @ પાલીતાણા: વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના શેત્રુંજય ગિરિરાજ પર્વત પરથી ભગવાન પાર્શ્વનાથની પંચધાતુની પવિત્ર મૂર્તિની ચોરી થવાની ઘટનાએ સમગ્ર જૈન સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાને પગલે ભાવનગર સહિત દેશભરના જૈન શ્રેષ્ઠીઓ અને શ્રદ્ધાળુઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જૈન સમાજનું કહેવું છે કે આ માત્ર એક સામાન્ય ચોરી નથી, પરંતુ લાખો લોકોની અતૂટ આસ્થા પર થયેલો અત્યંત મોટો આઘાત છે.
આ ઘટના બાદ પાલીતાણા જેવા પવિત્ર તીર્થમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સપાટી પર આવી છે. ભાવનગરના જૈન શ્રેષ્ઠીઓએ પેઢી અને પોલીસ પ્રશાસનને આક્રમક રજૂઆત કરતા જણાવ્યું છે કે, જે તીર્થમાં ડગલે ને પગલે ભક્તિનો પ્રવાહ વહેતો હોય ત્યાં મૂર્તિની ચોરી થવી એ ચિંતાજનક બાબત છે. પોલીસ પ્રશાસન સાથે સંકલન સાધીને ગુનેગારોને વહેલી તકે પકડી લેવામાં આવે અને ચોરાયેલી મૂર્તિને વિધિવત રીતે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
સુરક્ષા મજબૂત કરવાના હેતુથી જૈન સંઘો દ્વારા પેઢીને પત્ર લખી કેટલીક પાયાની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં પર્વત પરના મુખ્ય દેરાસરો અને અવરજવરના તમામ માર્ગો પર હાઈડેફિનેશન સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા અને તેનું ૨૪ કલાક સતત મોનિટરિંગ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાત્રિના સમયે સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા કર્મચારીઓનું સઘન પેટ્રોલિંગ વધારવા અને પર્વત પર આવતા-જતા દરેક શંકાસ્પદ વ્યક્તિ પર કડક નજર રાખવા માટે સિસ્ટમ ઉભી કરવા જણાવાયું છે.
જૈન સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓનું પુનરાવર્તન થવાની ભીતિ છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને શંકાસ્પદ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર જૈન સમાજ અત્યારે એકજૂટ થઈને ભગવાનની પ્રતિમા વહેલી તકે પરત મળે અને દોષિતોને કડક સજા થાય તે માટે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે. 11 મે ના રોજ વડાપ્રધાનની મુલાકાત પૂર્વે જ આ પ્રકારની સુરક્ષા ક્ષતિ સામે આવતા સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.