ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં ગેરેજ ધારકના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
-
મફતનગરમાં શેરી નંબર ૧ માં રહેતા અને ઓટો ગેરેજ ચલાવતા અશરફ પઠાણનું મકાન બન્યું ચોરીનો ભોગ
-
કબાટ પર રાખેલી ચાવી શોધીને તસ્કરોએ લોકર ખોલીને હાથ સાફ કર્યો હોવાનો ખુલાસો
-
બાટલાના પૈસા ચૂકવવા માટે કબાટ ખોલતા સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવી
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા અને ઓટો ગેરેજ ચલાવતા એક મકાનમાલિકને ત્યાંથી તસ્કરો સોનાના દાગીના તથા રોકડ રૂપિયા ૪૦ હજાર મળી કુલ રૂપિયા ૬૫,૦۰۰ નો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મકાન માલિક દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મફતનગરમાં શેરી નંબર ૧ માં રહેતા અશરફ ફતેખાન પઠાણના પરિવારજનો થોડા સમય અગાઉ ઘર બંધ કરીને બહાર ગયા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરીને કબાટ પર રાખેલી ચાવીથી કબાટ ખોલ્યો હતો અને અંદર રાખેલા ૪૦,૦૦૦ રૂપિયા રોકડા તથા બે સોનાની વીંટી અને ત્રણ જોડી સોનાની બુટી (કિંમત અંદાજે ૨૫,૦૦૦ રૂપિયા) મળી કુલ ૬૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો.
જ્યારે પરિવારના સભ્યો દ્વારા બાટલાના પૈસા ચૂકવવા માટે કબાટમાંથી રકમ લેવામાં આવી ત્યારે આ ચોરીની ઘટના ધ્યાને આવી હતી. આ ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે અજાણ્યા તસ્કર સામે BNS એક્ટની કલમ ૩૦૫(a) અને ૩૨૯(4) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સુરક્ષા અને સાવચેતી
ઘર લાંબા સમય માટે બંધ કરીને બહારગામ જતી વખતે કિમતી દાગીના અને રોકડ રકમ બેંકના લોકરમાં અથવા સુરક્ષિત જગ્યાએ રાખવી તેમજ ઘરની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવી અત્યંત આવશ્યક છે.