Loading Please Wait !!!
પીએમ મોદીના જન્મદિવસે ૧૦૦૦ કરોડના હીરા સ્વરૂપ 'કરમ ગણેશા'ની વિશેષ મહાઆરતી

 

  • વર્ષ ૨૦૦૨માં બેલ્જિયમથી ખરીદેલા રફ ડાયમંડમાંથી ચમત્કારિક રીતે પ્રગટ્યા હતા ગણેશજી

 

  • ૩૬.૫ ગ્રામ વજન અને અઢી ઈંચ લંબાઈ ધરાવતો આ હીરો વિશ્વભરમાં છે અદ્વિતીય

  • અમિતાભ બચ્ચન અને અમિત શાહ સહિત દેશની ૩૦ થી વધુ હસ્તીઓને મોકલાઈ છે ફોટોફ્રેમ

  • બાકીનું આખું વર્ષ અત્યંત સુરક્ષિત લોકરમાં રાખવામાં આવે છે આ કરોડો રૂપિયાનો કિંમતી જથ્થો

સિટી ન્યુઝ @ સુરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સુરતના હીરાના અગ્રણી ઉદ્યોગપતિ કનુ આસોદરિયાએ પીએમ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૧૦૦૦ કરોડ રૂપિયાના ખાસ 'કરમ ગણેશા' હીરાની મહાઆરતી કરી છે. આ વિશેષ પ્રાર્થના સાથે તેઓ આ અદભુત ડાયમંડ ગણેશજીની તસવીર વડાપ્રધાનને શુભેચ્છા ભેટ તરીકે મોકલવા જઈ રહ્યા છે, જેથી તેમને ભગવાન ગણેશના સીધા આશીર્વાદ પ્રાપ્ત થાય. આ હીરો ભારતની શાન સમાન પ્રખ્યાત કોહિનૂર હીરો (૧૦૫.૬ કેરેટ) કરતા પણ મોટો છે, જેનું વજન ૧૮૨.૩ કેરેટ (૩૬.૫ ગ્રામ) છે અને તેને વિશ્વમાં સૌથી યુનિક હીરાનો દરજ્જો પ્રાપ્ત થવાથી 'વર્ડ બુક ઓફ રેકોર્ડ'માં પણ સ્થાન મળ્યું છે.

કનુભાઈ આસોદરિયાએ વર્ષ ૨૦૦૨માં બેલ્જિયમમાંથી રફ ડાયમંડનો જથ્થો ખરીદ્યો હતો, અને જ્યારે તે સુરત લાવ્યા ત્યારે તેમના પિતાને આવેલા સ્વપ્ન બાદ આ હીરામાં ગણેશજીનું સ્પષ્ટ સ્વરૂપ જોવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હીરાની કિંમત ૧૦૦૦ કરોડથી લઈને ૨૨૦0 કરોડ રૂપિયા સુધી આંકવામાં આવે છે. કનુભાઈ પાસે આવા કુલ ૩ ડાયમંડ છે. તેઓ અગાઉ દેશની ૩૦ થી વધુ પ્રખ્યાત હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન, નીતિન ગડકરી અને અમિત શાહને આ હીરાની ફોટોફ્રેમ ભેટ સ્વરૂપે મોકલી ચૂક્યા છે, અને હવે તેઓ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી સુરત પધારે ત્યારે આ અલૌકિક 'કરમ ગણેશા'ના દર્શન કરે.

આસ્થા અને કલા

આપણી પરંપરા અને આસ્થા સાથે જોડાયેલી આવી અદ્ભુત કુદરતી કૃતિઓ દેશની સાંસ્કૃતિક વિરાસત અને કલાપ્રિયતાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.