વડોદરાના ડભોઈમાં યુવકનો મોબાઈલ હેક કરી ૧.૪૧ લાખ રૂપિયાની સાયબર ઠગાઈ
-
ડભોઈની ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારી સાથે બની ઘટના
-
રિસ્ક એપનું નોટિફિકેશન આવતા એપ અનઈન્સ્ટોલ કરવા છતાં હેક થયો ફોન
-
ડિસ્પ્લે પર 'ઇન્ટ્રોલ સિસ્ટમ' લખાઈને આવ્યા બાદ ફોન થઈ ગયો હતો ફ્રીઝ
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા જિલ્લાના ડભોઈમાં મોબાઈલ હેક કરીને ઓનલાઈન ફ્રોડ આચરવામાં આવ્યાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા સાયબર ગઠિયાઓએ યુવકના મોબાઈલને પોતાના નિયંત્રણમાં લઈને જુદી જુદી બેંકોમાંથી કુલ ૧,૪૧,૩૮૩ રૂપિયાની રકમ સેરવી લીધી છે. ડભોઈની ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ૩૫ વર્ષીય હેવનકુમાર રમેશભાઈ ધોબીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ગત ૧૧ જૂન ૨૦૨૬ના રોજ ‘LumoraTv’ નામની એપ્લિકેશન સંબંધિત મેસેજ આવ્યો હતો. તેમણે આ એપ ડાઉનલોડ તો કરી હતી, પરંતુ મોબાઈલમાં 'રિસ્ક એપ'નું નોટિફિકેશન આવતા જ તેમણે તાત્કાલિક તે અનઈન્સ્ટોલ પણ કરી દીધી હતી.
તે જ દિવસે સાંજના સમયે જ્યારે તેઓ ગૂગલ પે દ્વારા વ્યવહાર કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ડિસ્પ્લે પર 'ઇન્ટ્રોલ સિસ્ટમ' લખાઈને આવી ગયું હતું. થોડી જ મિનિટોમાં ફોન ચાલુ થતાં ખાતામાંથી બેલેન્સ ગાયબ જણાયું હતું. ઠગબાજોએ તેમના ત્રણ અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ ૧,૪૧,૩૮૩ રૂપિયા ઉપાડી લીધા હતા, જો કે એક્સિસ બેંકનું પેમેન્ટ નિષ્ફળ ગયું હતું. આ મામલે ભોગ બનનાર યુવકે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે.
સાયબર સુરક્ષા અને જાગૃતિ
ઓનલાઈન માધ્યમોથી અજાણી એપ્લિકેશનો ડાઉનલોડ કરતી વખતે અથવા શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરતા પહેલા અત્યંત સાવચેતી રાખવી અનિવાર્ય છે, જેથી ડિજિટલ ફ્રોડ અને આર્થિક નુકસાનથી બચી શકાય.