પૃથ્વી પર મહાસંકટ: ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટનથી વધુ બરફ ગાયબ
-
'સાઇન્ટિફિક ડેટા જર્નલ'માં પ્રકાશિત થયેલા રિપોર્ટથી વૈશ્વિક સ્તરે ચિંતાની લાગણી
-
ગ્રીનલેન્ડમાંથી ૬૦ ટકા અને એન્ટાર્કટિકામાંથી ૪૦ ટકા બરફ ઓગળ્યાની માહિતી
-
સમુદ્ર સપાટીમાં થતો પ્રત્યેક ૧ સેન્ટીમીટરનો વધારો લાખો લોકોને ધકેલે છે જોખમમાં
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક નવા અને ચોંકાવનારા અભ્યાસ મુજબ, વર્ષ ૧૯૭૯ થી ૨૦૨૩ દરમિયાન ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાની બરફની ચાદરોએ મળીને આશરે ૧૨.૫ ટ્રિલિયન ટન એટલે કે ૧૨ લાખ કરોડ ટનથી વધુ બરફ ગુમાવ્યો છે. 'સાઇન્ટિફિક ડેટા જર્નલ'માં પ્રકાશિત આ સ્ટડી અનુસાર, ૨૭ સેટેલાઇટ મિશનના આધારે તૈયાર કરવામાં આવેલા આ સચોટ ડેટાથી વૈશ્વિક સમુદ્ર સપાટીમાં ૩.૧ સેન્ટિમીટરની વૃદ્ધિ થઈ છે. સંશોધનમાં સૌથી મોટી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ૮૪ ટકા બરફનું નુકસાન સપાટી પરની ગરમ હવાને કારણે નહીં, પરંતુ નીચે અને કિનારાના ભાગોમાં ગરમ દરિયાઈ પાણીના કપાવાને કારણે થયું છે, જેના કારણે ગ્લેશિયર અત્યંત ઝડપથી સમુદ્રમાં મળી રહ્યા છે.
કદમાં નાનું હોવા છતાં ગ્રીનલેન્ડમાંથી સૌથી વધુ અર્થાત્ ૬૦ ટકા બરફ ઓગળ્યો છે, જ્યારે એન્ટાર્કટિકામાંથી ૪૦ ટકા નુકસાન નોંધાયું છે. વૈજ્ઞાનિકોની ચેતવણી અનુસાર, સમુદ્ર સપાટીમાં થતો આ વધારો તટીય વિસ્તારો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે, કારણ કે સમુદ્ર સપાટીમાં દરેક ૧ સેન્ટિમીટરનો વધારો વાર્ષિક ધોરણે લાખો લોકોને પૂરના જોખમમાં ધકેલે છે. ગ્લોબલ વોર્મિંગની આ ગંભીર અસરો સામે તટીય શહેરો અને નીચાણવાળા વિસ્તારોનું રક્ષણ કરવા માટે હવે વૈશ્વિક સ્તરે નક્કર પગલાં લેવા એ સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે.
પર્યાવરણ અને વૈશ્વિક આબોહવા પરિવર્તન
આબોહવા પરિવર્તનની આઘાતજનક અસરો પૃથ્વીના ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો બની રહી છે, જેને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે સત્વરે સઘન પ્રયાસો હાથ ધરવા અનિવાર્ય છે.