ભાવનગરમાં દુકાનદાર પર છરીથી જીવલેણ હુમલો, ભારે ચકચાર
- પોતાની મરજીથી સામાન લેવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંક્યા
- સિલાઈકામના સામાનની દુકાનમાં ગ્રાહકનું તોફાન, કાકાના દીકરાને સાથે લાવી યુવક પર છરી હુલાવી
- ભરતનગર પોલીસે બે હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર શહેરના તરસમિયા રોડ પર આવેલા ખારશી વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં સિલાઈકામના સામાનની દુકાનમાં નોકરી કરતા એક યુવક પર છરી વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. બાપા સીતારામ સોસાયટીમાં આવેલી આ દુકાનમાં ગ્રાહકને જાતે સામાન લેવાની ના પાડતા બે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મનીષભાઈ પાંચાભાઈ ડાભીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત મુજબ, મિલન દિલીપભાઈ મોરી નામનો શખ્સ દુકાને ખરીદી કરવા આવ્યો હતો. દુકાનદારની મંજૂરી વિના તે પોતાની મરજીથી આડેધડ સામાન કાઢવા લાગતા મનીષભાઈએ તેને અટકાવીને જાતે માલ લેવાની ના પાડી હતી. આ સામાન્ય વિવાદ બાદ આરોપીએ "આજે તો તને પતાવી દેવો છે" તેવી ધમકી આપી હતી. થોડી જ વારમાં તે પોતાના કાકાના દીકરા ચિરાગને સાથે લઈને હથિયાર સાથે દુકાને ધસી આવ્યો હતો અને મનીષભાઈ પર ઢીંકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા.
ઘટનાના પગલે ભરતનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત મનીષભાઈની ફરિયાદના આધારે પોલીસે મિલન દિલીપભાઈ મોરી અને ચિરાગ વિરુદ્ધ BNS એક્ટની વિવિધ કલમો તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા બંને હુમલાખોરોને પકડી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
હુમલાખોરો વિરુદ્ધ દાખલ કરાયેલી કલમો આ ગંભીર ગુનામાં આરોપીઓ સામે BNS એક્ટ 115(2), 118(2), 352, 351(2), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ પ્રકારનું હિંસક વલણ અક્ષમ્ય છે. ફરાર આરોપીઓની ધરપકડ બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત પર પોલીસ દેખરેખ રાખી રહી છે.