Loading Please Wait !!!
પેટ્રોલિયમ ઉત્પાદનોના ઊંચા ભાવ માટે તૈયાર રહેવું પડશે: સરકારના બે ટોચના ચહેરાઓ

 

  • નવી દિલ્હીમાં આયોજિત પરિસંવાદમાં આપવામાં આવ્યા મહત્વપૂર્ણ સંકેતો

  • પુરવઠા હરોળ ખોરવાતા ઊર્જાના વધુ ભાવ ચૂકવવા પડશે

  • બોન્ડ વળતર અને અમેરિકાની આક્રમક આર્થિક નીતિઓ પડકારરૂપ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર 100 ડોલરથી પણ ઉપર વધવા લાગ્યા છે, અને બીજી તરફ રશિયન ક્રૂડ ઓઈલ મુદ્દે અમેરિકાના આકરા વલણથી વૈશ્વિક સપ્લાય ચેઈનને પણ મોટી અસર થશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના બે ટોચના અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા ચિંતાનાસૂર વ્યક્ત કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આગામી સમય પડકારજનક બની રહેશે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી તથા સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરન દ્વારા સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યા છે કે ભારતે પેટ્રોલિયમ પેદાશો અને ઉર્જાના ઊંચા ભાવ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. મંત્રી હરદીપસિંહ પુરીએ એક પરિસંવાદમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે અને અત્યાર સુધી આપણે સપ્લાય ચેઈન જળવાઈ રહે તે સુનિશ્ચિત કર્યું હતું, પરંતુ હવે આ પુરવઠા હરોળ વધુ ખોરવાઈ શકે છે.

વૈશ્વિક બજારમાં હાલ ક્રૂડતેલ 102 ડોલર પ્રતિ બેરલના ભાવે ઉપલબ્ધ છે, જે વધુ ઊંચા ભાવે ખરીદવું પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સરકારના આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરમે સ્ટેટ બેંકના બેંકિંગ અને ઈકોનોમિક પરિસંવાદમાં વધુ કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશવાસીઓએ ઉર્જાના વધતા ખર્ચ સામે તૈયાર રહેવું પડશે.

તેઓએ વધતા બોન્ડ વળતર, અમેરિકા દ્વારા અપનાવવામાં આવતી આક્રમક આર્થિક નીતિઓ તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના વધતા ભાવ - આ ત્રણેય પરિબળોનો સમન્વય ભારતની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર હોવાનો દાવો કર્યો હતો. અમેરિકા દ્વારા 100% ટેરિફનું બિલ મંજૂર કરાવવામાં આવ્યું છે અને ભારત હાલ રશિયન ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ હોવાથી આ બાબતો સીધી અસર કરશે.

વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા અને બજારના બદલાતા સમીકરણો વચ્ચે સરકાર દ્વારા લેવાયેલી આ નોંધ અને ચેતવણીઓ દેશના નાગરિકો તેમજ આર્થિક નીતિઓ માટે અત્યંત સૂચક સાબિત થાય છે, જેના પર સૌની નજર ટકેલી છે.

આર્થિક પડકારો અને ઊર્જા સુરક્ષા

વૈશ્વિક બજારમાં તેલની કિંમતો અને આંતરરાષ્ટ્રીય વેપાર નીતિઓમાં થતા ફેરફારો દેશની સ્થાનિક અર્થવ્યવસ્થા અને સામાન્ય પ્રજાના બજેટ પર સીધો પ્રભાવ પાડતા હોય છે.