Loading Please Wait !!!
5 વર્ષમાં દેશના 111 ધારાસભ્યો અને સાંસદોએ બદલ્યો પક્ષ

 

  • વર્ષ 2022 થી 2026 સુધીના સમયગાળાનું કરવામાં આવ્યું વિશ્લેષણ

  • પક્ષપલટાના કુલ 111 કેસોને ચાર અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરાયા

  • નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં પક્ષપલટાનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

રાજ્ય વિધાનસભાઓ, લોકસભા અને રાજ્યસભામાં ચૂંટણી જીત્યા પછી વર્ષ 2022 થી 2026 સુધીના સમયગાળામાં રાજકીય પક્ષ બદલી નાખનારા નેતાઓનું એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારૂં વિશ્લેષણ એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ દેશભરમાં કુલ 111 વર્તમાન ધારાસભ્યો અને સાંસદો એવા છે, જેમણે ચૂંટાયા પછી વિવિધ કારણોસર પોતાનો પક્ષ બદલી નાખ્યો હતો, જેમાં ગુજરાતના 4 ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.

ADR ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી જીત્યા પછી પક્ષપલટો કરવા પાછળ સૌથી મુખ્ય અને મહત્ત્વનું કારણ પૈસા અને સત્તાની લાલસા તેમજ મૂલ્ય આધારિત રાજકારણની ગેરહાજરી છે. પક્ષપલટાના કુલ 111 કેસોને ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક નેતાઓ સ્વેચ્છાએ રાજીનામા વિના પક્ષ છોડે છે, તો કેટલાક મૂળ પક્ષ સાથે અન્ય પક્ષમાં ભળી જાય છે અથવા રાજીનામું આપીને પેટાચૂંટણી જીતીને આવે છે.

ચૂંટણી જીત્યા પછી પક્ષ બદલનારા વર્તમાન ધારાસભ્યો અને સાંસદોની કુલ ટકાવારીમાંથી હાલ લોકસભાના 5 ટકા, રાજ્યસભાના 3 ટકા અને વિધાનસભાના 2 ટકા સભ્યો પક્ષપલટુઓ છે. પક્ષ દીઠ ટકાવારીમાં જોઈએ તો NDPP ના 23 ટકા, AITC ના 18 ટકા અને કોંગ્રેસના 17 ટકા જેટલા ધારાસભ્યો કે સાંસદો અન્ય પક્ષમાં જતા રહ્યા છે, જ્યારે વિવિધ રાજ્યોમાં નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળ મોખરે રહ્યા છે.

ગુજરાતમાંથી પક્ષપલટો કરનાર 4 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, જેમાં અર્જુન મોઢવાડિયા, સી. જે. ચાવડા, અરવિંદ લાડાણી અને ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપ અને અન્ય પક્ષોમાં પણ મોટા પ્રમાણમાં નેતાઓ જોડાયા છે, જેના કારણે લોકશાહીના મૂલ્યો અને જનતાના વિશ્વાસ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સ્થિતિને ડામવા માટે ADR દ્વારા ગંભીર ભલામણો કરવામાં આવી છે, જેમાં પક્ષ બદલી નાખનારા નેતાઓ ઉપર જાહેર પદ સંભાળવા પર પ્રતિબંધ મૂકવો અને છ મહિનામાં તે અંગેની કાનૂની કાર્યવાહી પૂરી કરવી તેમજ ઉમેદવારોની પસંદગી માત્ર જીતવાને બદલે તેમની લાયકાતના આધારે થવી જોઈએ તેવી માંગ કરાઈ છે.

રાજકીય સુધારાઓ અને લોકશાહી

ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કરવાની વધતી પ્રવૃત્તિઓ જનતાના મતાધિકાર અને લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડે છે, જેને રોકવા માટે કડક કાયદાકીય સુધારાઓ અનિવાર્ય છે.