બાળ મજૂરી કરાવશો તો થશે જેલ, બોટાદમાં તંત્રની કડક ચેતવણી
- બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શાળાઓમાં જાગૃતિ અભિયાન સાથે લોકોને અપાયા શપથ
- 12 જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિત્તે શાળા અને સ્ટેશનો પર જાગૃતિ કાર્યક્રમ
- બાળકો પાસે મજૂરી કરાવવી એ ફોજદારી ગુનો છે, તંત્ર દ્વારા મુસાફરોને કરાયા જાગૃત
સિટી ન્યુઝ @ બોટાદ
12 જૂન 2026 ના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ અંતર્ગત બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને સિગ્નેચર કેમ્પેઈન યોજવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ. કે. ભટ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. એલ. ડવના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. પ્રાથમિક શાળા નં. 23 ખાતે વિદ્યાર્થીઓને બાળ મજૂરી, પોક્સો એક્ટ અને ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 વિશે વિસ્તૃત માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં DLSA સેક્રેટરી હિનાબેન બ્રહ્મભટ્ટે બાળકોને પોક્સો કાયદાની સમજ આપી શોષણ સામે અવાજ ઉઠાવવા અને માતા-પિતા સાથે નિઃસંકોચ વાત કરવા જણાવ્યું હતું. હેમાંગીનીબેન આર્ય દ્વારા બાળ મજૂરોને મુક્ત કરાવવા અને ગોરધનભાઈ મેર દ્વારા નશામુક્ત ભારત અભિયાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. જલ્પાબેન પરમાર, મોનીલભાઈ આંબળીયા, મેહુલભાઈ સોનગરા અને નિરાલીબેન મેર દ્વારા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 નો પ્રચાર કરાયો હતો. જ્યારે જીતેન્દ્રભાઈ કારેલીયાએ ઉપસ્થિત આચાર્ય દર્શનભાઈ પટેલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને બાળ મજૂરી મુક્ત ભારતના શપથ લેવડાવ્યા હતા.
શાળા ઉપરાંત બોટાદ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ખાતે પણ વ્યાપક સિગ્નેચર કેમ્પેઈન યોજવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઈ ચાવડા, ગીતાબેન જોગરાજીયા, અરવિંદભાઈ વાઘેલા સહિત ડેપો કર્મચારીઓ, આરપીએફ સ્ટાફ અને મુસાફરો જોડાયા હતા. લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કે બાળકો કે તરુણો પાસે મજૂરી કરાવવી એ ગંભીર ફોજદારી ગુનો છે, જેમાં સખત કેદ અને દંડની સજા થઈ શકે છે. લોકોએ હસ્તાક્ષર કરી બાળ મજૂરી રોકવાના સંકલ્પ સાથે ઝુંબેશને પોતાનું પૂરું સમર્થન આપ્યું હતું.
બાળ મજૂરી એક ગંભીર ગુનો બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનું સાચું સ્થાન શાળામાં છે, કારખાનામાં નહીં. કાયદા મુજબ કોઈપણ બાળક કે તરુણને મજૂરીના કામે રાખવા એ શિક્ષાપાત્ર ફોજદારી ગુનો બને છે. જો કોઈ વ્યક્તિ બાળકોનું શોષણ કરી મજૂરી કરાવતા પકડાશે, તો કાયદાની કડક જોગવાઈઓ મુજબ જેલની સખત સજા અને ભારે દંડ બંને થઈ શકે છે. બાળ મજૂરી અટકાવવી એ આપણા સૌની સામાજિક ફરજ છે.