Loading Please Wait !!!
જૂનાગઢમાં કાળમુખો શુક્રવાર: વિસાવદર, માણાવદર અને બાંટવામાં ત્રણ આશાસ્પદ જિંદગીઓ હોમાઈ!

  • બે માસૂમ બાળકોના પાણીમાં ડૂબવાથી અને એક યુવાનનું વીજ કરંટથી કરુણ મોત - રક્ષણ અને સાવચેતીના પાઠ ભણાવતી ઘટનાઓ
  • અગાશી પર હાઈવોલ્ટેજ લાઈનનો કરંટ લાગતા તુષારનું મોત - હસનાપુર અને પાજોદમાં બે કુળદીપકો બુઝાયા
    • ખેતરમાં રમતા-રમતા કુંડા અને ટાંકામાં ખાબક્યા 2-2 વર્ષના બાળકો - ઉનાળુ સીઝનમાં ખેતમજૂરોના પરિવારો પર આભ તૂટ્યું

જૂનાગઢ જિલ્લામાં ગત શુક્રવારનો દિવસ અત્યંત કરુણ અને પિડાદાયક સાબિત થયો છે. જિલ્લાના ત્રણ અલગ-અલગ તાલુકાઓમાં બનેલી ત્રણ દુખદ ઘટનાઓમાં બે માસૂમ બાળકો અને એક 18 વર્ષના આશાસ્પદ યુવાનનું અકાળે અવસાન થતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નાની અમથી બેદરકારી પણ કેટલી મોટી કિંમત વસૂલી શકે છે.

પિતા ખેતીકામમાં મગ્ન હતા ને પુત્ર કુંડામાં ખાબક્યો વિસાવદરના હસનાપુર ગામમાં રહેતા નિલેશભાઈ પારડીયા ઉનાળુ તલના નિંદામણ માટે ખેતરે ગયા હતા. તેમની સાથે તેમનો 2 વર્ષનો પુત્ર અંશ પણ હતો. પિતા કામમાં વ્યસ્ત હતા ત્યારે રમતા-રમતા અંશ પાણીના કુંડામાં પડી ગયો હતો. કામ પતાવીને જોયું ત્યારે લાડકવાયો મૃત હાલતમાં મળતા પિતાની દુનિયા ઉજ્જડ થઈ ગઈ હતી.

તરસ છિપાવવા ગયેલા પુત્રને કાળે ઝડપ્યો બીજી ઘટના માણાવદરના જીંજરી ગામે બની હતી. અહીં 18 વર્ષનો તુષાર ગેડા મકાનની અગાશી પર મજૂરી કરી રહેલા પિતા માટે પાણીનો લોટો લઈને ગયો હતો. અગાશીની અત્યંત નજીકથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈનનો સ્પર્શ થતા જ તુષારને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

મહારાષ્ટ્રથી રોજીરોટી માટે આવેલા શ્રમિકે લાલકવાયો ગુમાવ્યો બાંટવાના પાજોદ ગામે પણ આવી જ હૃદયદ્રાવક ઘટના બની હતી. મહારાષ્ટ્રના નંદુરબારથી મજૂરી માટે આવેલા રવિભાઈ સૂર્યવંશીના 2 વર્ષના પુત્ર અરવિંદનું વાડીમાં પાણીના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું. બાળકના મામા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે બાળક રમતા-રમતા ટાંકામાં પડી ગયો હતો.

આ ત્રણેય ઘટનાઓએ સુરક્ષા અને સાવચેતી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખેતરોમાં પાણીના ખુલ્લા ટાંકા અને રહેણાંક વિસ્તારોની નજીક પસાર થતી જોખમી વીજ લાઈનો સામે તકેદારી રાખવી કેટલી અનિવાર્ય છે તે આ કિસ્સાઓ પરથી સ્પષ્ટ થાય છે. પોલીસે આ ત્રણેય મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ પરિવારોમાં પડેલી ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.