બિગ બોસ સીઝન 20 માટે કાઉન્ટડાઉન શરૂ: સલમાન ખાન ફરી મચાવશે ધમાલ
- 21 સપ્ટેમ્બરથી શૂટિંગના શ્રીગણેશ, વિવાદાસ્પદ રિયાલિટી શોમાં નવા ચહેરાઓની એન્ટ્રી થશે
- ઓરિજિનલ શેડ્યૂલ મુજબ આ વર્ષના બીજા ભાગમાં શો ટેલિકાસ્ટ થવાની પ્રબળ શક્યતા
- યુવા દર્શકોને આકર્ષવા ડિજિટલ સેલિબ્રિટીઝ અને પોપ્યુલર સ્ટાર્સના ઓડિશન શરૂ કરાયા
સિટી ન્યુઝ @ મુંબઈ
ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ' તેની ઐતિહાસિક 20મી સીઝન સાથે પરત ફરવા માટે સજ્જ છે. શોના મેકર્સ દ્વારા આગામી સીઝન માટેની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે શો પોતાના નિર્ધારિત ઓરિજિનલ શેડ્યૂલ મુજબ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે, જે અંતર્ગત વર્ષના બીજા ભાગમાં તેનું ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવશે. દર્શકોમાં સૌથી વધુ ઉત્તેજના એ વાતની છે કે બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર હોસ્ટ તરીકે શોની કમાન સંભાળતા જોવા મળશે.
તાજેતરના અહેવાલો મુજબ, સલમાન ખાન 21 સપ્ટેમ્બરથી 'બિગ બોસ 20'ના શૂટિંગના શ્રીગણેશ કરશે. હાલમાં પ્રોડક્શન હાઉસ અને ચેનલ દ્વારા સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ સીઝન માટે ઘણા જાણીતા ટેલિવિઝન સેલિબ્રિટીઝના ઓડિશન લેવામાં આવી રહ્યા છે. શોની સફળતા અને સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ વધારવા માટે ટીમ યુવા ડિજિટલ ઇન્ફ્લુએન્સર્સ અને અન્ય પોપ્યુલર રિયાલિટી શોના સ્પર્ધકોને પણ સામેલ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે.
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે અત્યારે 'સુલતાન' ફેમ ડાયરેક્ટર વમસી પૈડિપલ્લી સાથેની પોતાની આગામી હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાનની ટીમ ફિલ્મ અને બિગ બોસ બંનેના શેડ્યૂલને એડજસ્ટ કરવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે, કારણ કે બિગ બોસ દર વર્ષે સલમાન ખાનના વર્ષનો મોટો હિસ્સો રોકે છે.
બિગ બોસ 20 માં શું હશે નવું? મેકર્સ આ વખતે શોને વધુ રોમાંચક બનાવવા માટે નવી ટેકનિક અને યુવા ક્ધટેસ્ટન્ટ્સ પર ભાર મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ડિજિટલ ઇન્ફ્લુએન્સર્સની એન્ટ્રીથી શોના એન્ગેજમેન્ટમાં ધરખમ વધારો થવાની આશા છે. 21 સપ્ટેમ્બરથી સલમાન ખાન જ્યારે શૂટિંગ શરૂ કરશે ત્યારે શોના સેટ અને થીમ બાબતે પણ નવા ખુલાસા થવાની સંભાવના છે.