Loading Please Wait !!!
ભાવનગરને CMની 'મેગા ભેટ': દેસાઈનગરથી વરતેજ સુધી બનશે 4.75 કિમી લાંબો ફ્લાઈઓવર, 31 જંક્શનના ટ્રાફિક જામનો આવશે અંત!

  • 533 કરોડના ખર્ચે નિર્માણ પામશે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ - જીતુ વાઘાણીના પ્રયાસોને મળી મોટી સફળતા
  • 160 મીટરનો ડબલ હાઈટ સ્પાન હશે આકર્ષણનું કેન્દ્ર - હજીરા ફેરી અને GIDC ના વાહનોને મળશે સિગ્નલ ફ્રી માર્ગ
  • RTO થી વરતેજ સુધીનું અંતર મિનિટોમાં કપાશે - અકસ્માતનો ભય ઘટશે અને ઉદ્યોગોને મળશે નવી ગતિ

ભાવનગર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક ઓપ આપવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સતત રજૂઆતો બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેસાઈનગરથી વરતેજ સુધીના 4.75 કિમી લાંબા ફ્લાઈઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ₹533 કરોડના જંગી ખર્ચે બનનારો આ બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ સાબિત થશે.

નારી ચોકડી પાસે કેબલ સ્ટેઇડ આકર્ષણ આ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ નારી ચોકડી પાસે બનનારો 160 મીટર સ્પાન ધરાવતો 'કેબલ સ્ટેઇડ' આઇકોનિક બ્રિજ હશે. આ પ્રકારનો ડબલ હાઈટ બ્રિજ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જોવા મળશે, જે શહેરની સુંદરતામાં વધારો કરશે. આ માર્ગ પર GIDC અને રહેણાંક વિસ્તારોના કુલ 31 જંક્શન આવે છે, જ્યાં અત્યારે ભારે ટ્રાફિક અને અકસ્માતનો ભય રહે છે. બ્રિજ કાર્યરત થતા આ તમામ અવરોધો દૂર થશે.

ઉદ્યોગ અને વિકાસને વેગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ માર્ગ ભાવનગર માટે 'વિકાસ દ્વાર' સમાન છે. હજીરા ફેરી સર્વિસ, મહુવા અને તળાજા તરફ જતા ભારે વાહનો હવે વરતેજથી જ સીધા બ્રિજ પર ચઢી શકશે, જેથી શહેરના સ્થાનિક રસ્તાઓ પર ભારણ ઘટશે. પીવાનું શુદ્ધ પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાઓ બાદ હવે આ હાઈટેક બ્રિજ ભાવનગરને દેશના અન્ય મહાનગરોની હરોળમાં લાવી દેશે. રાજકોટના લોકો જે રીતે ઓવરબ્રિજની સુવિધા ભોગવે છે, તેવી જ રીતે હવે ભાવનગરના પશ્ચિમ વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ થશે.