Loading Please Wait !!!
ભાવનગર કોંગ્રેસનો 'ભાજપાપ' પ્રહાર: 31 વર્ષના શાસન સામે ભ્રષ્ટાચારની ચાર્જશીટ જાહેર, સિદસર જમીન કૌભાંડમાં અબજોના આક્ષેપ!

  • ઋત્વિક મકવાણાની ગર્જના- "ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી ચૂંટણીમાં વિલંબ" - બિલ્ડરોને સસ્તા ભાવે જમીન પધરાવ્યાનો દાવો
  • સિદસર ટીપી સ્કીમમાં પ્રતિ ચોરસ મીટર ₹30,000 નું માર્જિન રાખી કૌભાંડ આચર્યાનો આક્ષેપ - કોંગ્રેસ હવે ઘરે-ઘરે જશે
  • બોરતળાવ પાસેના દબાણો અને આવાસ યોજનામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો - કોંગ્રેસે રજૂ કરી 'ભાજપાપ' ચાર્જશીટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ ભાજપના 31 વર્ષના શાસનને 'ભ્રષ્ટાચારનું મથક' ગણાવ્યું હતું. તેમણે એક વિસ્તૃત 'ભાજપાપ' ચાર્જશીટ રજૂ કરી, જેમાં જમીન કૌભાંડોથી લઈને પેવર બ્લોક સુધીની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા હતા.

સિદસર ટીપી સ્કીમમાં અબજોનું કૌભાંડ? કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સિદસર વિસ્તારમાં મોકાની રોડ ટચ જમીનો બિલ્ડરોને કડીયાના ભાવે પધરાવી દેવામાં આવી છે. સામાન્ય જનતા માટેના સરકારી આવાસમાં વધુ ભાવ વસૂલવામાં આવ્યા હોવાથી તંત્રમાં ચાલતી વહાલા-દવલાની નીતિ સ્પષ્ટ દેખાય છે. મકવાણાએ જણાવ્યું કે, આવાસ યોજના અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ્સ માત્ર ભ્રષ્ટાચારનું સાધન બની ગયા છે.

ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત ઋત્વિક મકવાણાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભાજપની અનુકૂળતા માટે ચૂંટણી પંચ વિલંબ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભાજપના નાના કાર્યકરોને આર્થિક ફાયદો કરાવવા માટે ગલીઓમાં સારા સીસી રોડ તોડીને વારંવાર પેવર બ્લોક નાખવામાં આવે છે. કોંગ્રેસે હવે 'ટીમ કોંગ્રેસ' દ્વારા દરેક વોર્ડમાં જઈ જનતાને આ ભ્રષ્ટાચારથી વાકેફ કરવા અને આગામી ચૂંટણીમાં મજબૂત વિકલ્પ પૂરો પાડવાની કટિબદ્ધતા દર્શાવી છે.