"નાગધણીંબા લૂંટ કેસમાં વરતેજ પોલીસની એક્શન: વાડીના ભાગીયા સહિત બે ઝડપાયા"
- ઘઉંના પૈસાની માથાકૂટમાં ખેડૂત પર હુમલો - સોનાની માળા, વીંટી અને ઘડિયાળની કરી હતી લૂંટ.
- ભાગીયાએ જ મિત્રોને બોલાવી ખેડૂત માલિકને લૂંટાવ્યા - 3 લાખનો મુદ્દામાલ લઈ થયા હતા ફરાર.
- અશોકભાઈ ઈટાલીયાની કાર રોકી અપાઈ હતી જાનથી મારી નાખવાની ધમકી - વરતેજ પોલીસને મળી સફળતા.
ભાવનગર: જિલ્લાના નાગધણીંબા ગામે રહેતા ખેડૂત અશોકભાઈ દુલાભાઈ ઈટાલીયા સાથે થયેલી રૂ. 3 લાખની લૂંટના કેસમાં વરતેજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર અને ખેડૂતની વાડીમાં જ કામ કરતા ભાગીયા સંજય પરમાર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. આ લૂંટ પાછળ ઘઉંના હિસાબની સામાન્ય ખેંચતાણ અને અદાવત કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
બનાવની વિગત મુજબ, ખેડૂત અશોકભાઈને તેમના ભાગીયા સંજય ગોરધનભાઈ પરમાર સાથે ઘઉંના પૈસા બાબતે તકરાર થઈ હતી. આ વાતની દાઝ રાખી સંજયે તેના અન્ય સાગરીતો ભગત સિંધવ, નાથા ભરવાડ અને ગોપાલ કોળીને ચઢામણી કરી હતી. ગત 15 માર્ચે જ્યારે અશોકભાઈ પોતાની કાર લઈને નીકળ્યા ત્યારે આ શખ્સોએ તેમને રસ્તામાં આંતર્યા હતા અને ગાળાગાળી કરી માર માર્યો હતો. આરોપીઓએ અશોકભાઈના ગળામાંથી અઢી તોલાની સોનાની રૂદ્રાક્ષની માળા, બે સોનાની વીંટીઓ અને કિંમતી ઘડિયાળ મળી કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પી.આઈ. ચુડાસમાની ટીમે હરકતમાં આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ નાગધણીંબાના ભાગીયા સંજય પરમાર (33) અને ભડી ગામના રહેવાસી ભરત ઉર્ફે ભગત નાનુભાઈ સિંધવ (35) ને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ લૂંટમાં કુલ પાંચ શખ્સો સામેલ હતા, જેમાંથી બેની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે નાથા ભરવાડ, ગોપાલ કોળી અને એક અજાણ્યા ઈસમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાડીના માલિકને લૂંટવા માટે ખુદ ભાગીયાએ જ પ્લાન ઘડ્યો હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.