Loading Please Wait !!!
ચૂંટણી ટાણે 'રામ-રામ' અને જીત્યા પછી 'કામ' ગાયબ: ભાવનગરના મોતીતળાવમાં ગંદકીના ગંજ, નેતાઓ સામે જનતાનો રોષ!

  • ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર રહીશોની ચીમકી – "કામ નહીં તો મત નહીં", નેતાઓ માટે નો-એન્ટ્રીના સંકેત
  • સવાર પડતા જ ગલીઓમાં અડધો ફૂટ ગટરના પાણી – પેરાલિસિસના દર્દીઓ અને બાળકોની હાલત દયનીય
  • ઘર તૂટ્યા, લાઈટ નથી અને ગટરો ઉભરાય છે – 4000 ભાડું ભરીને રહેતા ગરીબોની કોઈ સાંભળનાર નથી

ભાવનગરમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે, ત્યારે શહેરના વડવા-બ વોર્ડ ૩ માં આવતા મોતીતળાવ અને કુંભારવાડા વિસ્તારના રહીશોમાં તંત્ર અને રાજકીય નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા આ વિસ્તારના લોકો હવે આરપારના જંગમાં ઉતરી આવ્યા છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે, "મત જોઈતા હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે પગે લાગવા આવે છે, પણ ચૂંટણી પત્યા પછી કોઈ ડોકાતું પણ નથી."

મોતીતળાવ શેરી નંબર ૧ અને આસપાસના વિસ્તારોમાં ગટરની સમસ્યા એટલી હદે વકરી છે કે સવારના સમયે રસ્તાઓ પર અડધો થી પોણો ફૂટ ગંદા પાણી ભરાઈ જાય છે. સ્થાનિક રહીશ રજ્જાકભાઈ પઠાણ પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે, "સવારે ઘરેથી બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે છે. ગલીઓમાં એટલું ગંદુ પાણી હોય છે કે ચાલી પણ શકાતું નથી." આવી જ પીડા યુસુફભાઈ ચૌહાણની છે, જે જણાવે છે કે ગંદકીના કારણે નાના બાળકોને સ્કૂલે મોકલવામાં ભારે મુશ્કેલી પડે છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ તો ૮-૮ દિવસ સુધી કોઈ આવતું નથી અને માત્ર 'વારા મુજબ આવીશું' ના ખોટા વાયદા અપાય છે.

સ્થાનિક યુવાન ઈમ્તિયાઝ જાદવે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી પ્રચાર વખતે તમામ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ બ્લોક નાખવાના અને નવી સુવિધાઓ આપવાના શપથ લે છે, પરંતુ જીત્યા પછી કોઈ દેખાતું નથી." રહીશોમાં એ વાતનો પસ્તાવો છે કે તેઓએ અગાઉ અનેક શરતો મૂકી હતી, છતાં કામ પૂરું કરવામાં આવ્યું નથી. એક મહિલા રહીશે રડતા રડતા જણાવ્યું કે, "મારા પતિને પેરાલિસિસ છે, ગંદકી અને ગારામાં તે ચાલી શકતા નથી અને પડી જાય છે. ઘરમાં પ્રસંગ હોવા છતાં ગટર સાફ કરવા કોઈ ન આવ્યું, અમે ગરીબ માણસો ક્યાં જઈએ?"

બીજી તરફ, જાયદાબેન સૈયદ નામની મહિલાએ તંત્ર સામે રોષ ઠાલવતા કહ્યું કે, "અમારા ઘર તોડી નાખવામાં આવ્યા છે, અમે ૪૦૦૦ રૂપિયા ભાડું ભરીને રહીએ છીએ. ન લાઈટ છે ન મીટર. આવી સ્થિતિમાં અમે કોઈને મત આપવાના નથી." ભાવનગરના આ પછાત ગણાતા વિસ્તારોમાં હવે લોકોમાં 'નો વોટ' નો મિજાજ પ્રબળ બની રહ્યો છે. રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ચૂંટણી સમયે નેતાઓ માટે પ્રચાર કરવો તો શું, વિસ્તારમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બની શકે છે.

ચૂંટણી પહેલા ભાવનગર કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ આ વિસ્તારની મુલાકાત લઈ પ્રશ્નો હલ કરે છે કે પછી જનતા ફરી એકવાર વાયદાના વમળમાં ફસાય છે, તે જોવું રહ્યું.