ભાવનગરમાં ભાડૂઆતની દાદાગીરી: ઘર ખાલી કરવાનું કહેતા મકાનમાલિક પર છરી અને પાઈપથી જીવલેણ હુમલો!
- "જો હવે ઘર ખાલી કરાવ્યું તો જાનથી મારી નાખીશું" - દેસાઈનગરમાં હુમલો કરી ચાર શખ્સો ઈકો કારમાં ફરાર
- બોરતળાવ પોલીસે કોમલબેન રાઠોડ અને હિતેશ સહિત 4 સામે નોંધ્યો ગુનો - ઈજાગ્રસ્ત રાજેન્દ્રસિંહ હોસ્પિટલ ભેગા
- અન્ય ભાડૂઆતોને હેરાન કરવા મુદ્દે થઈ હતી માથાકૂટ - ધોળા દિવસે પાઈપ અને ઢીકાપાટુનો માર મારી શખ્સો છૂમંતર
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મકાન ખાલી કરાવવા અને ભાડૂઆતને સમજાવવા ગયેલા મકાનમાલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. રાજકોટ ખાતે રહેતા અને ભાવનગરમાં મકાન ધરાવતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ સરવૈયા પર ભાડૂઆતના સંબંધીઓએ છરી અને પાઈપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ મામલે બોરતળાવ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, રાજેન્દ્રસિંહ ભાવનગરની મીરાપાર્ક સોસાયટીમાં પોતાનું મકાન ધરાવે છે, જેમાં કોમલબેન ધનસુખભાઈ રાઠોડ ભાડૂઆત તરીકે રહે છે. આ ભાડૂઆત અન્ય ભાડૂઆતોને સતત હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠતા મકાનમાલિક રાજેન્દ્રસિંહ ૩ એપ્રિલના રોજ ભાવનગર આવ્યા હતા. તેમણે અગાઉ ધનસુખભાઈને તેમની પત્નીને સમજાવવા કહ્યું હતું. જોકે, ગત બપોરે ૩ વાગ્યાના સુમારે આ સમજાવટ મામલે મામલો બિચક્યો હતો અને કોમલબેનના સંબંધી હિતેશભાઈ બે અજાણ્યા શખ્સો સાથે ઈકો કારમાં ત્યાં ધસી આવ્યા હતા.
આરોપીઓએ ત્યાં પહોંચતા જ ગાળાગાળી શરૂ કરી હતી અને જ્યારે રાજેન્દ્રસિંહે તેનો વિરોધ કર્યો ત્યારે હિતેશે છરી વડે હુમલો કરી રાજેન્દ્રસિંહના હાથમાં ઈજા પહોંચાડી હતી. અન્ય શખ્સોએ પાઈપ અને ઢીકાપાટુ વડે મકાનમાલિકને બેરહેમીથી માર માર્યો હતો. હુમલાખોરોએ જતી વખતે મકાનમાલિકને લલકારતા કહ્યું હતું કે, "આજ પછી જો ઘર ખાલી કરાવ્યું છે તો તને જાનથી મારી નાખવો પડશે." આ ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત રાજેન્દ્રસિંહને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી કોમલબેન રાઠોડ, હિતેશભાઈ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નવી BNS એક્ટની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ભાવનગરમાં ભાડૂઆતો દ્વારા મકાનમાલિકો પર હુમલા અને મકાન પચાવી પાડવાની ધમકીના કિસ્સાઓ વધતા મકાનમાલિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ધોળા દિવસે થયેલા આ હુમલાથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં બોરતળાવ પોલીસની ટીમે ઈકો કારના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.