"ભાવનગરમાં અશાંતધારાનું 'મહાકુંભ' કૌભાંડ? 1500 ફાઈલોમાં કરોડોના 'વહીવટ'નો આક્ષેપ, SDMના ડ્રાઈવરનો વીડિયો વાયરલ"
- હિન્દુ યુવા સંગઠન લાલઘૂમ: "લાંચ લેનારા ભ્રષ્ટાચારીઓનો વરઘોડો કાઢો" - કલેક્ટરને અપાયું આવેદનપત્ર
- સત્તાનો દુરુપયોગ કરી મંજૂરી આપ્યાનો ગંભીર આક્ષેપ - SIT તપાસની માંગ સાથે રામધૂનની ચીમકી
- 10 દિવસ વીત્યા છતાં કાર્યવાહી શૂન્ય - અશોક ગોહિલની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની મંજૂરી આપવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ અને આર્થિક વ્યવહારો થતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શહેરમાં અંદાજે 1500 જેટલી ફાઈલોમાં નિયમોને નેવે મૂકીને 'વહીવટ' કરવામાં આવ્યો છે. આ મામલે ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા મોટી રકમ માંગતો એક વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ભાવનગરમાં અશાંતધારા હેઠળ મિલકત વેચવાની પરવાનગી મેળવવા માટે મોટી રકમના નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે ફાઈલોમાં પોલીસ અને મામલતદાર દ્વારા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યા હતા, તેવી ફાઈલોમાં પણ રાજકીય લાગવગ અને પૈસાના જોરે દસ્તાવેજો કરી દેવામાં આવ્યા છે." સંગઠને માંગ કરી છે કે આવી તમામ ફાઈલોની નવેસરથી પૂર્ણ ચકાસણી કરવામાં આવે.
તાજેતરમાં સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે અશાંતધારાની મંજૂરી અપાવી દેવા માટે મોટી રકમની માંગણી કરતો દેખાય છે. સંગઠનનો આક્ષેપ છે કે ડ્રાઈવર તો માત્ર એક મહોરું છે, અસલી ખેલ તો વહીવટી અધિકારીઓના આશીર્વાદથી ખેલાઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચારી તત્વો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરી તેમનો જાહેરમાં 'વરઘોડો' કાઢવો જોઈએ તેવી ઉગ્ર માંગણી સંગઠને આવેદનપત્રમાં કરી છે.
સંગઠનના હોદ્દેદારોએ અગાઉ કલેક્ટરને મળીને આ બાબતે રજૂઆત કરી હતી અને ત્યારે તપાસની ખાતરી મળી હતી. જોકે, 10 દિવસ વીતી જવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા સંગઠને ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભ્રષ્ટાચારી તત્વોએ સત્તાનો દુરુપયોગ કરીને જે પરવાનગીઓ આપી છે, તેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.
હિન્દુ યુવા સંગઠને અંતમાં ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં જવાબદારો સામે કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા અને રામધૂન બોલાવી આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. અશાંતધારાના કાયદાનો ચુસ્તપણે અમલ થાય અને કોઈ પણ ગેરકાયદે મિલકત તબદીલી ન થાય તે માટે હિન્દુ સંગઠનો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે.