Loading Please Wait !!!
બાયર્ન મ્યુનિકનો સ્ટાર ફૂટબોલર મુસિયાલા મેદાનમાં ઢળી પડ્યો

 

  • 81મી મિનિટે ગોલ કર્યા બાદ 88મી મિનિટે અચાનક મેદાન પર પડી ગયો

  • મેડિકલ ટીમની તાત્કાલિક સારવાર બાદ ખેલાડી પોતે ચાલીને બહાર ગયો

  • આરબી લીપઝિગ સામેની મેચમાં અતિશય ગરમીના કારણે ચક્કર આવ્યાની આશંકા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

જર્મન ક્લબ બાયર્ન મ્યુનિક અને આરબી લીપઝિગ વચ્ચે રમાયેલી પ્રી-સિઝન ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. મેચની 88મી મિનિટે બાયર્ન મ્યુનિકનો 23 વર્ષીય સ્ટાર મિડફીલ્ડર જમાલ મુસિયાલા અચાનક જમીન પર ઢળી પડ્યો હતો અને થોડીવાર સુધી નિશ્ચેષ્ટ અવસ્થામાં પડી રહ્યો હતો. તેને આવી હાલતમાં પડેલો જોઈને સાથી ખેલાડીઓ અને ક્લબની મેડિકલ ટીમ તાત્કાલિક મેદાન પર દોડી આવી હતી.

મેદાન પર જ અપાયેલી પ્રાથમિક સારવાર બાદ તબીબી ટીમે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો સંકેત આપતાં સ્ટેડિયમમાં હાજર ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મુસિયાલા બાદમાં કોઈના સહારા વિના જાતે જ ચાલીને મેદાનની બહાર ગયો હતો, જોકે તે થોડો અસહજ અને ચક્કર અનુભવતો દેખાતો હતો. આ મેચમાં તે બીજા હાફમાં સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો અને 81મી મિનિટે તેણે બાયર્ન માટે શાનદાર ગોલ પણ ફટકાર્યો હતો.

મેદાન પર પ્રવર્તતી અતિશય ગરમી અને ડિહાઇડ્રેશન આ અચાનક તબિયત લથડવાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાયર્ન મ્યુનિકે આ મુકાબલો 3-1 થી જીતી લીધો હતો. ક્લબના અધિકારીઓએ જણાવ્યું છે કે મુસિયાલાની હાલત હવે સંપૂર્ણપણે સ્થિર છે, પરંતુ હજુ સુધી કોઈ વિસ્તૃત સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે જમાલ મુસિયાલા અગાઉ ક્લબ વર્લ્ડ કપ દરમિયાન પેરિસ સેન્ટ-જર્મેન (PSG) સામેની મેચમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. લાંબી સારવાર અને રિકવરી બાદ તેણે વર્ષ 2026 ની શરૂઆતમાં બુન્ડેસલિગામાં મજબૂત પુનરાગમન કર્યું હતું અને તે ફિફા વર્લ્ડ કપમાં ಜર્મન રાષ્ટ્રીય ટીમનો પણ મહત્વનો હિસ્સો રહ્યો હતો.

બાયર્ન મ્યુનિકનો સ્ટાર મુસિયાલા મેદાનમાં ઢળ્યો

બાયર્ન મ્યુનિક અને આરબી લીપઝિગ વચ્ચેની મેચમાં 81મી મિનિટે ગોલ કર્યા બાદ 23 વર્ષીય જમાલ મુસિયાલા 88મી મિનિટે અચાનક મેદાન પર પડી ગયો હતો. તબીબી સારવાર બાદ તે જાતે ચાલીને બહાર ગયો હતો. અતિશય ગરમીને કારણે તબિયત લથડી હોવાની આશંકા છે. ક્લબ પ્રશાસને તેની તબિયત સુધારા પર હોવાનું જણાવી વિસ્તૃત તપાસ શરૂ કરી છે.