Loading Please Wait !!!
ચૂંટણી જંગમાં 'બાટલો, બંગડી અને બિસ્કિટ' નો જાદુ: 209 સિમ્બોલ વચ્ચે ખેલાશે મહાસંગ્રામ, જાણો શું છે આખી યાદી?

  • રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કર્યા ફ્રી સિમ્બોલ્સ – અપક્ષ ઉમેદવારો માટે પ્રતીકો બનશે જીત-હારનો મોટો ફેક્ટર
  • 209 વિવિધ ચિહ્નો સાથે મેદાનમાં ઉતરશે ઉમેદવારો – જાણો કઈ રીતે પ્રતીકો પ્રચારની વ્યૂહરચના બદલી શકે છે
  • ગેસ સિલિન્ડરથી લઈને લેપટોપ સુધીના નિશાન – ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતીક જ બનશે ઉમેદવારની સાચી ઓળખ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે ઉમેદવારો માટે પ્રતીકોની વહેંચણી અંગે મોટો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી જંગમાં મુખ્ય રાજકીય પક્ષોના પરંપરાગત નિશાન ઉપરાંત અપક્ષ ઉમેદવારો માટે બાટલો, બંગડી અને બિસ્કિટ સહિતના 209 જેટલા ફ્રી સિમ્બોલ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રતીકો માત્ર ઓળખ પૂરતા મર્યાદિત નથી, પરંતુ પ્રચારની વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ખાસ કરીને અપક્ષો માટે આ વિવિધતાસભર નિશાન આકર્ષણનું કેન્દ્ર બનશે.

ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ, પ્રતીકોની પસંદગીમાં જનજીવન સાથે જોડાયેલી વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે ઉમેદવારોને ગેસ સિલિન્ડર જેવું નિશાન મળશે, તેઓ મોંઘવારી અને ગેસની અછત જેવા મુદ્દાઓ પર પ્રચાર કરી શકે છે. તેવી જ રીતે, કોમ્પ્યુટર કે લેપટોપનું નિશાન મળનાર ઉમેદવારો શિક્ષિત અને યુવા વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરશે. જ્યારે હાથગાડી કે ટાયર જેવા પ્રતીકો મજૂર અને શ્રમિક વર્ગ સાથે સીધો ભાવનાત્મક સંબંધ બાંધવામાં મદદરૂપ થશે. પ્રતીકો જ હવે જીત-હારનો મોટો ફેક્ટર સાબિત થશે.

આ વખતે ચૂંટણી તંત્રએ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મહાગુજરાત જનતા પાર્ટી અને યુવા જાગૃતિ દળને Delist કરી દીધા છે. આ નિર્ણય બાદ હવે આ પક્ષોના અગાઉના પ્રતીકો પણ ફ્રી સિમ્બોલ તરીકે ઉપલબ્ધ રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતીકનું મહત્વ ઘણું વધારે હોય છે, કારણ કે ઘણા મતદારો નામ વાંચવાને બદલે નિશાન જોઈને જ પોતાનો મત આપતા હોય છે. આથી જ અપક્ષ ઉમેદવારોમાં પોતાની મનપસંદગીનું ચિહ્ન મેળવવા અને તેને લોકો સુધી પહોંચાડવા માટે અત્યારથી જ દોડધામ શરૂ થઈ ગઈ છે.

ચૂંટણી પંચે મતદાનના સમયપત્રકની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આગામી 26 April એ રાજ્યના મતદાન મથકો પર સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ ટેકનિકલ કારણોસર કે અંધાધૂંધીને લીધે કોઈ બૂથ પર પુનઃ મતદાનની જરૂર પડશે, તો તે 27 April એ યોજવામાં આવશે. પંચે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તમામ જિલ્લા કલેક્ટરોને કડક સૂચનાઓ આપી દીધી છે જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય.

ચૂંટણીનો સૌથી મહત્વનો દિવસ 28 April રહેશે, જ્યારે તમામ સ્થાનિક સંસ્થાઓની મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ પ્રતીકોની યાદી જાહેર થતા જ ઉમેદવારોમાં ગણગણાટ શરૂ થયો છે. કયું નિશાન મતદારોના દિલ જીતશે અને કોની જીતનો માર્ગ મોકળો કરશે, તે તો પરિણામો જ બતાવશે. હવે જોવાનું એ રહેશે કે બાટલો, બંગડી કે બિસ્કિટ જેવા પ્રતીકોમાંથી કયું ચિહ્ન સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.