Loading Please Wait !!!
ભાજપમાં ટિકિટનો ‘કકળાટ’ પરાકાષ્ઠાએ: સગાવાદ અને જૂથવાદના કારણે પાયાના કાર્યકરોમાં ભારે રોષ

 

  • ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોનો હુરિયો બોલાવાયો; અસંતુષ્ટોના ‘કાંકરીચાળા’થી કેસરિયો ગઢ જોખમમાં?

  •  નેતાગીરી અસંતોષ ઠારવામાં નિષ્ફળ; મતદારોએ ઉમેદવારોને પ્રચાર કરતાં અટકાવ્યા, કામોનો હિસાબ માંગ્યો

  • પ્રદેશ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ; સગાવાદના કારણે પાયાના કાર્યકરોની અવગણના ભારે પડશે?

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ વિતરણ બાદ ભભૂકેલો અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પક્ષના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરોની અવગણના થતા આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ નેતાઓ માની રહ્યા છે કે હાલમાં જે વિરોધ થઈ રહ્યો છે તેની પાછળ અસંતુષ્ટોનો મોટો હાથ છે.

    પ્રચારમાં અવરોધ અને મતદારોનો રોષ ટિકિટોની વહેંચણીમાં સગાવાદ અને પરિવારવાદ હાવી થઈ જતાં ઘણા પાયાના કાર્યકરોમાં અન્યાયની લાગણી જન્મી છે. પરિણામે, અનેક વિસ્તારોમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે નીકળે છે ત્યારે મતદારો તેમનો હુરિયો બોલાવી રહ્યા છે અને જૂના કામોનો હિસાબ માંગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ભાજપ વિરોધી માહોલ સર્જાયો છે, જેમાં વિપક્ષ કરતાં પક્ષના જ અસંતુષ્ટો વધુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

    ઈન્ફ્લુએન્સરો વિરુદ્ધ જનતાનો મિજાજ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ તરફી માહોલ બનાવવા માટે મોટા ઇન્ફ્લુએન્સરોને લાખો રૂપિયાની લ્હાણી કરવામાં આવી રહી છે, પરંતુ તેની સામે સામાન્ય મતદારો જ ઇન્ફ્લુએન્સર બનીને પક્ષની નબળાઈઓ ખુલ્લી પાડી રહ્યા છે. પ્રદેશ નેતાગીરી આ અસંતોષની આગ ઠારવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે. અમુક જ્ઞાતિ-સમાજને પૂરતું પ્રતિનિધિત્વ ન મળતા સામાજિક સમીકરણો પણ જોખમમાં મુકાયા છે.

    વિપક્ષ માટે તક? ભાજપની આ આંતરિક લડાઈ જોઈને વિપક્ષી છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપને ડર છે કે જો આ પરિસ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે તો અસંતુષ્ટોનો કાંકરીચાળો ચૂંટણી પરિણામોમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જ્યાં પાયાના કાર્યકરોની પકડ મજબૂત છે ત્યાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.