અસારવામાં 'ભાજપ ભગાવો' ના નારા લાગ્યા, વોટ માંગવા ગયેલા નેતાઓ સોસાયટીમાંથી હાંકી કઢાયા
-
જનતાનો આક્રોશ: અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારોને સોસાયટીઓમાં પ્રવેશતા રોકવામાં આવ્યા.
-
મુખ્ય સમસ્યા: ગટરનું ગંદુ પાણી અને બીમારીના મુદ્દે રહીશોએ નેતાઓને 'વોટ લેતા શરમ આવવી જોઈએ' તેવું સંભળાવ્યું.
-
પોસ્ટર વોર: 'કમળનું ફૂલ અમારી ભૂલ' ના બેનરો ઉતારવા ગયેલી કોર્પોરેશનની ટીમનો સ્થાનિકોએ વિરોધ કર્યો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા અસારવા વોર્ડમાં સત્તાધારી પક્ષ ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તારમાં આવતા અસારવા વોર્ડમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓને સ્થાનિક રહીશોએ સોસાયટીઓમાં ઘૂસવા દીધા ન હતા. 'ભાજપ ભગાવો' ના નારા સાથે લોકોએ નેતાઓને ખખડાવતા કહ્યું હતું કે, "જ્યારે અમે તકલીફમાં હતા ત્યારે કોઈ આવ્યું નહીં અને હવે વોટ માટે આખું લશ્કર લઈને નીકળી પડ્યા છો."
વિરોધનું મુખ્ય કારણ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં આવતું ગંદુ પાણી અને ગટરની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. કિસ્મત સોસાયટી અને ઓમનગરના રહીશોએ આક્ષેપ કર્યો છે કે, પૂર્વ કોર્પોરેટર અનુ પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ઉલટું, રહીશોને એવો ટોણો મારવામાં આવતો હતો કે 'તમારા વોટની જરૂર નથી'. હવે જ્યારે ભાજપે ફરીથી અનુ પટેલને જ ટિકિટ આપી છે, ત્યારે જનતાનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે અને પ્રચાર કરવા આવેલા નેતાઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું છે.
અસારવાની ગાભાજીની ચાલી અને શિવપ્રસાદની ચાલી સહિત અડધો ડઝન સોસાયટીઓએ ભાજપનો બહિષ્કાર કરતા 'કમળનું ફૂલ અમારી ભૂલ' લખેલા બેનરો લગાવ્યા છે. આ બેનરો ઉતારવા જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી ત્યારે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ સવાલ કર્યો હતો કે રાજકીય પક્ષોના ગેરકાયદે ટેન્ટ હટાવવાને બદલે ખાનગી પ્રોપર્ટી પર લાગેલા લોકોના અવાજ સમાન બેનરો કેમ ઉતારવામાં આવી રહ્યા છે?
સ્થાનિક રહીશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને પણ ફાળ ફેલાઈ છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ભાજપના મળતીયાઓ દ્વારા જૂની ચાલીઓની મિલકતો પચાવી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત, પતરાવાળી ચાલીના રહીશોએ ડ્રો રદ કરવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. લોકોનું કહેવું છે કે જો ન્યાય નહીં મળે તો કોઈ પણ વ્યક્તિ મકાનની ચાવી સ્વીકારશે નહીં.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ આક્રોશપૂર્વક કહી રહી છે કે ગંદા પાણીના કારણે બાળકો બીમાર પડ્યા અને પરીક્ષા સમયે પણ હેરાનગતિ ભોગવવી પડી છે. જ્યારે મતદારોએ નેતાઓને ખરીખોટી સંભળાવી ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ વળતા સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ જનતાના રોષ આગળ તેમની રણનીતિ કારગત નીવડી ન હતી. હાલમાં અસારવા વોર્ડમાં ભાજપ માટે પ્રચાર કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.