Loading Please Wait !!!
ચૂંટણી પ્રચારમાં જનતાનો જોરદાર આક્રોશ: વોર્ડ-12માં ભાજપના ઉમેદવારોનો લોકોએ લીધો ઉધડો

 

  • વડોદરા વોર્ડ નંબર 12માં ભાજપના ઉમેદવારોના પ્રચાર દરમિયાન રહીશોનો ઉગ્ર વિરોધ.

  • વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ગટર અને પાયાની સુવિધાઓના પ્રશ્ને નેતાઓ ઘેરાયા.

  • રહીશોએ નેતાઓને વેધક સવાલો કર્યા - “તમે તો વોટ લઈને જતા રહો છો, અમારે આવામાં રહેવાનું?”

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ઉમેદવારો માટે પ્રચાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારોને આજે સ્થાનિક રહીશોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. ગટર અને પાયાની સુવિધાઓના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ ઉમેદવારોને ઘેરી લઈને સવાલોની ઝડી વરસાવી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

ભાજપના ઉમેદવારો સ્મિત અરદેશણા, શકુંતલાબેન વસાવા, રીટા સિંઘ અને સમીર વાઘેલા જ્યારે કાલિદાસની ચાલ અને પરમારની ચાલમાં મત માંગવા પહોંચ્યા, ત્યારે મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. રહીશોએ ઉગ્ર સ્વરે પૂછ્યું હતું કે, "અમે કેવા હાલમાં રહીએ છીએ તેની તમને ખબર છે? વોટ લેવા તો આવી જાવ છો પણ કોઈ નેતા કામ કરતા નથી." આક્રોશ એટલો વધુ હતો કે ઉમેદવારો માટે ત્યાં ઊભા રહેવું પણ ભારે પડી ગયું હતું. લોકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે અને બાકીના સમયમાં જનતા ગંદકીમાં સબડતી રહે છે.

આ પ્રચાર અભિયાન દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા ત્યારે સર્જાયો જ્યારે એક સ્થાનિક રહીશે નેતાઓ સાથે થઈ રહેલી ચર્ચાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. ભાજપના એક કાર્યકરે વીડિયો ઉતારવાની મનાઈ કરતા જનતા વધુ ઉશ્કેરાઈ હતી. વીડિયો ઉતારનાર રહીશે વળતો જવાબ આપતા કહ્યું હતું કે, "કેમ વીડિયો નહીં ઉતારવાનો? તમારી કામગીરી દુનિયાને તો ખબર પડે!" આ બોલાચાલીમાં ભાજપના કાર્યકરો અને રહીશો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેનાથી ચૂંટણી માહોલમાં સોપો પડી ગયો હતો.

આ સમગ્ર વિવાદ મામલે ભાજપના ઉમેદવાર સ્મિત અરદેશણાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કોઈ મોટો રોષ નથી પરંતુ મતદારો સાથેની માત્ર એક ચર્ચા હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન પહેલેથી જ પાસ કરી દેવામાં આવ્યો છે. એક સ્થાનિક મંદિર લાઇન નાખવામાં નડતરરૂપ હોવાથી કામમાં વિલંબ થયો છે. અમે નવું મંદિર બનાવી આપવાની ખાતરી આપી હતી પણ સંચાલકો સહમત ન થતા હવે બ્રિજની નીચેથી વૈકલ્પિક રસ્તો મંજૂર કરાયો છે." તેમણે દાવો કર્યો હતો કે વોર્ડમાં વિકાસના કામો થયા જ છે.

જોકે, ઉમેદવારોના દાવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યથી લોકો અત્યંત ત્રસ્ત છે. સ્થાનિકોએ બાહેંધરી માંગી હતી કે જ્યાં સુધી કામ શરૂ ન થાય ત્યાં સુધી તેઓ વિશ્વાસ નહીં કરે. ચૂંટણીના પહેલા તબક્કામાં જ જે રીતે સત્તાધારી પક્ષના ઉમેદવારોને જનતાના રોષનો ભોગ બનવું પડ્યું છે, તે જોતા આગામી દિવસોમાં વોર્ડ-12માં ભાજપ માટે મતદારોની નારાજગી દૂર કરવી એ હિમાલય ચઢવા જેટલું કપરું સાબિત થશે.