ભાવનગર ભાજપમાં 'નો રિપીટ થીયરી' ના એંધાણ: 15થી વધુ કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે, સાંજ સુધીમાં નામ જાહેર થશે!
- 30 વર્ષના એકહથ્થુ શાસન બાદ નવા લોહીને તક આપવાની તૈયારી – પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયર પણ રેસમાંથી બહાર?
- 13 વોર્ડની 52 બેઠકો માટે મંથન પૂર્ણ – વિવાદિત અને ઉંમરના કારણે અનેક દિગ્ગજોની બાદબાકી નિશ્ચિત
- ત્રણ ટર્મ પૂરી કરનારા અને નિષ્ક્રિય કોર્પોરેટરોમાં ફફડાટ – સાંજ સુધીમાં કેસરીયો કેમ્પ નામો જાહેર કરશે
ભાવનગર: છેલ્લા ૩૦ વર્ષથી ભાવનગર મહાનગરપાલિકા પર એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણી માટે મૂરતિયાઓ નક્કી કરવાની કવાયત તેજ કરી દીધી છે. ભાજપના ગઢ ગણાતા ભાવનગરમાં આ વખતે 'નો રિપીટ થીયરી' ની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, જેના કારણે ૧૫ થી વધુ વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાય તેવી પ્રબળ શક્યતા છે. ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે પક્ષના હાઈકમાન્ડે તમામ સમીકરણો તપાસી લીધા છે અને આજે સાંજ સુધીમાં સત્તાવાર યાદી જાહેર થવાની શક્યતા છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, વોર્ડ નં. ૧ ના પૂર્વ મેયર કિર્તીબેન દાણીધરીયા અને વોર્ડ નં. ૮ ના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ઉંમર અને ટર્મ મર્યાદાના કારણે અનેક સીનિયર ખેલાડીઓની બાદબાકી નિશ્ચિત મનાઈ રહી છે. ખાસ કરીને જેઓએ ત્રણ ટર્મ પૂરી કરી છે અથવા જેમના નામો વિવાદોમાં ઘેરાયેલા છે, તેમની જગ્યાએ પક્ષ યુવા અને શુદ્ધ છબી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપશે.
વોર્ડ નં. ૫ (ઉત્તર કૃષ્ણ નગર - રૂવા) ભાજપ માટે હંમેશા પડકારજનક રહ્યો છે. અહીં કોંગ્રેસના ભરત બુધેલીયા સતત ૭ વખતથી જીતી રહ્યા છે. આ કિલ્લો તોડવા માટે ભાજપ આ વખતે કોઈ દિગ્ગજને બદલે તદ્દન નવા અને આક્રમક યુવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. બીજી તરફ, વોર્ડ નં. ૬ માં શહેર પ્રમુખ કુણાલ કુમાર શાહ અને વોર્ડ નં. ૧૧ માં મહેશભાઈ વાજા જેવા નામો પર પણ કાતર ફરી શકે છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠને આ વખતે કામગીરીના રિપોર્ટ કાર્ડ અને સોશિયલ મીડિયાના પ્રભાવને પણ ટિકિટ માટે માપદંડ બનાવ્યો છે. વોર્ડ નં. ૧૨ અને ૧૩ માં પણ મોટા ફેરફારોની શક્યતા છે, જ્યાં કુલદીપભાઈ પંડ્યા અને યુવરાજસિંહ ગોહિલ જેવા નામો વિવાદોના કારણે કપાઈ શકે છે. ભાજપની આ 'નો રિપીટ થીયરી' જૂના જોગીઓમાં ફફડાટ ફેલાવી રહી છે, જ્યારે યુવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સાંજની યાદીમાં કયા દિગ્ગજોના પત્તાં કપાય છે અને કોનું નસીબ ખુલે છે.