"નિઃસંતાન દંપતીઓ માટે આશાનું નવું કિરણ: વડોદરાની BAPS હોસ્પિટલમાં પૂજ્ય ડોક્ટર સ્વામીના હસ્તે IVF સેન્ટરનું ઉદ્ઘાટન"
- આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય - તણાવમુક્ત પ્રેગ્નન્સી જર્ની માટે સંસ્થાની વિશેષ પહેલ
- હોસ્પિટલના રજત જયંતી પર્વે નવી ભેટ - MBBS થયેલા વડીલ સંત ડોક્ટર સ્વામીએ આપી આશીર્વાદની દક્ષિણા
- મોડી ઉંમરે લગ્ન અને સ્ટ્રેસના કારણે વધતી નિઃસંતાનતા સામે લડવા સજ્જ - એક જ છત નીચે તમામ એડવાન્સ સુવિધાઓ
વડોદરાના અટલાદરામાં આવેલી BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતી પર્વે આજે એક ઐતિહાસિક સોપાન ઉમેરાયું છે. વંધ્યત્વના અભિશાપથી પીડાતા દંપતીઓ માટે આધુનિક સારવાર અને આધ્યાત્મિક શાંતિના સંગમ સમાન IVF કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું લોકાર્પણ BAPS સંસ્થાના વડીલ સંત અને પોતે મેડિકલ ડિગ્રી ધરાવતા પૂજ્ય ડોક્ટર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આધ્યાત્મિકતા સાથે આધુનિક ટ્રીટમેન્ટ આ સેન્ટરની સૌથી મોટી વિશેષતા તેનો અભિગમ છે. IVF સ્પેશિયલિસ્ટ ડૉ. નવીન પંચાલે જણાવ્યું કે, "સામાન્ય રીતે નિઃસંતાન દંપતીઓ ભારે માનસિક તણાવમાં હોય છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ગર્ભધારણ કરાવવાનો જ નથી, પણ આધ્યાત્મિકતાના માધ્યમથી દર્દીનો સ્ટ્રેસ ઓછો કરી પ્રેગ્નન્સીની આખી સફર સુખદ બનાવવાનો છે. જો માતા તણાવમુક્ત હશે, તો સંતાન પણ સંસ્કારી અને તંદુરસ્ત અવતરશે."
શા માટે વધી રહી છે IVFની જરૂરિયાત? હોસ્પિટલના CEO ડો. સમીર બ્રહ્મભટ્ટે બદલાતા સમયના પડકારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજની ભાગદોડ ભરેલી જિંદગી, બદલાતી ખાણીપીણી, લગ્નની વધતી ઉંમર અને કારકિર્દી પર વધુ ધ્યાન આપવા જેવા કારણોસર ફેમિલી પ્લાનિંગમાં મોડું થાય છે. આ સંજોગોમાં IVF ટેકનોલોજી દંપતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
પૂજ્ય ડોક્ટર સ્વામીના આશીર્વાદ આજથી 70 વર્ષ પહેલા MBBS ની પદવી મેળવનારા ડોક્ટર સ્વામીએ આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે આશીર્વાદ આપતા જણાવ્યું કે, વિજ્ઞાન અને ભગવાનમાં શ્રદ્ધાના સંગમથી અહીં આવતા દંપતીઓના જીવનમાં ખુશીઓ આવશે અને તેઓ સમાજને શ્રેષ્ઠ અને સંસ્કારી સંતાનો અર્પણ કરશે. આ સેન્ટરમાં ટેસ્ટ ટ્યુબ બેબી સાથે જોડાયેલી તમામ આધુનિક અને એડવાન્સ ટેકનિક્સ એક જ છત નીચે ઉપલબ્ધ છે