Loading Please Wait !!!
ગાંધીનગરમાં સોસાયટી વિવાદમાં લોહીયાળ જંગ: ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પર પાઇપ-લાકડીથી જીવલેણ હુમલો

  • લીલાપુરની હૃદયકુંજ સોસાયટીમાં મેન્ટેનન્સ અને બાંધકામ મુદ્દે બબાલ - મહિલા ચેરમેનના પતિને પાડોશી પરિવારે નિશાન બનાવ્યા
  • મેન્ટેનન્સ-ડિપોઝિટ ન ભરતા પરિવારની દાદાગીરી - લોખંડની પાઇપ અને લાકડીઓ ઉછળતા ઈજાગ્રસ્તો સોલા સિવિલ ખસેડાયા
  • "દવા પીને ખોટા કેસમાં ફસાવી દઈશું" તેવી ધમકી આપી હુમલાખોરો ફરાર - અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

અમદાવાદ શહેરના લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં નજીવી બાબતે શરૂ થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં મેન્ટેનન્સ અને બાંધકામના મુદ્દે ચાલી રહેલા જૂના ગજગ્રાહમાં પાડોશી પરિવારે નડિયાદ ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હીરેનકુમાર અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો છે. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, હીરેનકુમારના પત્ની સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપે છે. સોસાયટીના બંગલા નંબર 3માં રહેતા વસંતીબેન અને તેમનો પરિવાર સોસાયટીના નિયમ મુજબ પેરાફેટ બનાવવા દેતા ન હતા અને મેન્ટેનન્સ તથા ડિપોઝિટની રકમ પણ ભરતા ન હતા. આ બાબતે ચેરમેન દ્વારા વારંવાર કરાતી ટકોરને કારણે પાડોશી પરિવાર અદાવત રાખતો હતો. ગઈકાલે રાત્રે વસંતીબેનની પુત્રીએ હીરેનકુમારના ઘર પાસે આવી ગાળાગાળી શરૂ કરતા મામલો બિચક્યો હતો.

વિવાદ વધતા ઉશ્કેરાયેલી યુવતીએ લોખંડની પાઇપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ વસંતીબેન અને તેમનો પુત્ર ધ્રુવ પણ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હીરેનકુમારને બેરહેમ રીતે માર માર્યો હતો. આ હિંસક હુમલા દરમિયાન વચ્ચે બચાવવા પડેલા પાડોશી શોભનાબેન પર પણ હુમલો કરાયો હતો. આરોપી ધ્રુવ નામના યુવકે શોભનાબેન સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

હુમલાખોર પરિવારે જતી વખતે ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ થશે તો તેઓ પોતે દવા પીને સામા પક્ષને ખોટા કેસમાં ફસાવી દેશે. આ લોહીયાળ સંઘર્ષ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હીરેનકુમાર અને અન્ય સભ્યોને તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી મળતા અહેવાલો મુજબ, અધિકારીને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.

અડાલજ પોલીસે હાલમાં આરોપીઓ વિરુદ્ધ મારામારી, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો દાખલ કર્યો છે. સોસાયટીના રહીશોમાં આ ઘટનાને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. રાજકોટના જાગૃત નાગરિકો માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે કે સોસાયટીના સામાન્ય વિવાદો કેટલી હદે હિંસક બની શકે છે.