બોડકદેવમાં ભાજપના નેતાઓનો હુરિયો: "પાંચ વર્ષે કેમ દેખાયા?", ઢોલ-નગારા વચ્ચે લોકોએ કાઢ્યો બરોબરનો ઉધડો!
- પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈને રહીશોએ અટકાવ્યા – રોડ, પાણી અને ગટરના પ્રશ્ને ભારે આક્રોશ
- વિકાસના વાયદા વચ્ચે પાયાની સુવિધાનો અભાવ – બોડકદેવમાં નેતાઓ સામે સવાલોનો મારો
- "વારંવારની રજૂઆતો છતાં કામ કેમ ન થયા?" – ભાજપની રણનીતિ પર સ્થાનિકોએ ફેરવી દીધું પાણી
અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નેતાઓ માટે જનતાના રોષનો સામનો કરવો હવે સામાન્ય બની રહ્યો છે. શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ સાથે અટકાવ્યા હતા. પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ જ્યારે ઢોલ-નગારા સાથે મતોની ભીખ માંગવા નીકળ્યા હતા, ત્યારે જાગૃત નાગરિકોએ તેમને અટકાવીને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા 'વિકાસ' ના કામોનો હિસાબ માંગ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક રહીશ ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવી રહ્યો છે અને સીધો સવાલ કરી રહ્યો છે કે, "પાંચ વર્ષ સુધી તમારામાંથી કોઈ અહીં દેખાયું નથી, તો અત્યારે ક્યાંથી આવ્યા?" આ સવાલ સાંભળીને પ્રચારમાં નીકળેલા નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં રોડ તોડી નાખવામાં આવ્યા છે, ગટરો વારંવાર ઉભરાય છે અને લાઈટના થાંભલા બદલવા જેવી નાની રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવી નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા વારંવાર નકારાત્મક પ્રતિસાદ આપવામાં આવતો હતો અને જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે એક પણ કોર્પોરેટર અહીં ડોકાયું નહોતું. હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે જ મતો માટે અને વિકાસના ગુણગાન ગાવા માટે નેતાઓ સોસાયટીઓમાં પહોંચી રહ્યા છે. રહીશોએ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે, "પાંચ વર્ષ સુધી પ્રજાના કામોમાં ગેરહાજર રહેલા નેતાઓનો પ્રચાર અમને અસ્વીકાર્ય છે."
આ ઘટનાએ ભાજપના સ્થાપિત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ નેતાઓ માટે ચિંતા જગાવી દીધી છે. મતદારો હવે માત્ર પક્ષના પ્રતીકને જોઈને મત આપવાને બદલે પાંચ વર્ષમાં થયેલા કામોને પ્રાધાન્ય આપી રહ્યા છે. બોડકદેવની આ ઘટનાથી અન્ય વિસ્તારોના ઉમેદવારોમાં પણ ફફડાટ ફેલાયો છે કે જો કામ નહીં થયા હોય તો જનતા આવી જ રીતે તેમનો પણ હુરિયો બોલાવશે.
રાજકોટના રાજકીય વર્તુળોમાં પણ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જાગૃત નાગરિકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓને તેમની જવાબદારીનું ભાન કરાવી રહ્યા છે. આક્રમક બનેલા મતદારોના મિજાજને જોતા લાગે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે જીત મેળવવી સહેલી નહીં હોય. નેતાઓએ હવે માત્ર વાયદાઓથી કામ ચલાવવાને બદલે કરેલા કામોનો રિપોર્ટ કાર્ડ લઈને જનતા સમક્ષ જવું પડશે.