"ધ્રોલમાં આંગણવાડી બહેનોનો હુન્કાર: પડતર માંગણીઓ મુદ્દે વિશાળ રેલી અને ધરણા"
- 18 થી 20 માર્ચ સુધી કામગીરીનો બહિષ્કાર - નજીવા પગારમાં બાળકોનો પોષણ આહાર પૂરો પાડવો મુશ્કેલ.
- 2018 ના ભાવોમાં અત્યારે રસોઈ કેમ બનાવવી? - સીડીપીઓને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ.
- પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને બાળકોને ખવડાવતી બહેનો હવે આરપારના જંગમાં
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવા માટે આંદોલનનું શંખનાદ ફૂંક્યું છે. ગતરોજ ધ્રોલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી આંગણવાડી બહેનોએ વિશાળ રેલી કાઢી હતી અને ત્યારબાદ ધરણા પર બેસી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી કાર્યકરોએ તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી સાગમટે રજા પર ઉતરી જઈ કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
સીડીપીઓ (CDPO) ને પાઠવેલા આવેદનપત્રમાં આંગણવાડી વર્કરોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ સરકારના તમામ કાર્યક્રમોમાં હરહંમેશ સહકાર આપતા આવ્યા છે, પરંતુ તેમના પાયાના પ્રશ્નો પ્રત્યે સરકાર ઉદાસીન છે. સૌથી મહત્વનો મુદ્દો બાળકોના પોષણ આહારનો છે. વર્ષ 2018-19 માં નક્કી કરવામાં આવેલા ચીજવસ્તુઓના ભાવો મુજબ અત્યારે રસોઈ બનાવવી અશક્ય બની ગઈ છે. બજારમાં તેલ, અનાજ અને ગેસના ભાવો આસમાને પહોંચ્યા હોવા છતાં, બહેનોએ અત્યાર સુધી પોતાના નજીવા પગારમાંથી ખર્ચ કરીને બાળકોને ભૂખ્યા રહેવા દીધા નથી.
આંદોલનકારી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. હવે સ્થિતિ એવી છે કે પોતાના ઘરનું ગુજરાન ચલાવવું કે આંગણવાડીના ખર્ચ પૂરા કરવા તે પ્રશ્ન મોં ફાડીને ઉભો છે. આથી, બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી આગામી ત્રણ દિવસ સુધી આંગણવાડીની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ધ્રોલ તાલુકાની તમામ આંગણવાડીના કાર્યકરો અને હેલ્પરો આ લડતમાં જોડાયા હોવાથી નાના બાળકોના પોષણ અને અન્ય યોજનાકીય કામગીરી પર તેની સીધી અસર જોવા મળી શકે છે. બહેનોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજે અને મોંઘવારીના પ્રમાણમાં ભથ્થાં અને આહારના ભાવોમાં સુધારો કરે.