અમદાવાદમાં રથયાત્રા રૂટનું ₹19 કરોડના ખર્ચે કાયાકલ્પ: જગન્નાથ મંદિરથી AMC ઓફિસ સુધી બિછાવાશે લક્ઝરી ‘પ્લાઝા’
-
જમાલપુર દરવાજા અને ખમાસા ચાર રસ્તા ચમકી ઉઠશે- કલાત્મક લાઈટિંગ અને ગ્રીન પેચ સાથે 75% કામગીરી પૂર્ણ
-
મુખ્ય જંકશનોનું રીડિઝાઇનિંગ અને હેંગિંગ લાઈટ્સનું આકર્ષણ- ₹19.59 કરોડના ખર્ચે AMCનો મોટો પ્રોજેક્ટ
-
સેન્ટ્રલ મિડિયન અને ટેબલટોપ જંકશનથી ટ્રાફિક પણ થશે હળવો- પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ સાથે નવું પેવમેન્ટ
અમદાવાદ: અમદાવાદની ઓળખ અને શ્રદ્ધાના પ્રતીક સમાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કમર કસી છે. અંદાજે 19.59 કરોડ રૂપિયાના ખર્ચે જમાલપુર ચાર રસ્તાથી શરૂ કરીને દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસ સુધીના રૂટનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લાખો શ્રદ્ધાળુઓ માટે માર્ગને વધુ આકર્ષક અને અવરજવર માટે સરળ બનાવવાનો છે.
પ્રોજેક્ટ હેઠળ જમાલપુર ચાર રસ્તાથી મંદિર સુધીના માર્ગ પર સેન્ટ્રલ મિડિયન બનાવવાની સાથે આધુનિક એલઈડી લાઈટિંગ અને ગ્રીન પેચ વિકસાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જગન્નાથ મંદિરના પ્રવેશદ્વાર પાસે એક ભવ્ય અને આધુનિક ‘પ્લાઝા’ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યાં કલાત્મક પેવિંગ અને વિશેષ થીમ આધારિત લાઈટિંગ દ્વારા ભક્તિમય માહોલ ઊભો કરાશે. પદયાત્રીઓ માટે કોટા અને ગ્રેનાઈટ સ્ટોનનો ઉપયોગ કરીને ટકાઉ અને સુંદર ફૂટપાથ તૈયાર કરવામાં આવી રહી છે.
વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા જમાલપુર દરવાજા, વૈશ્યસભા અને ખમાસા ચાર રસ્તા જેવા જંકશનોનું સંપૂર્ણ રીડિઝાઇનિંગ ચાલી રહ્યું છે. અહીં ટેબલટોપ જંકશન, આઇલેન્ડ અને હેંગિંગ લાઈટ્સ લગાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ વિવિધ સ્કલ્પચર (શિલ્પો) મૂકીને પ્લેસમેકિંગ કરવામાં આવશે, જે આખા રૂટને એક હેરિટેજ વૉક જેવો અનુભવ આપશે.
AMC ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું 75 ટકા જેટલું કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. હાલમાં બાકીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેથી આગામી રથયાત્રા પૂર્વે તમામ સુવિધાઓ ભક્તો માટે ખુલ્લી મૂકી શકાય. આ પ્રોજેક્ટથી માત્ર રથયાત્રાના સમયે જ નહીં, પરંતુ સામાન્ય દિવસોમાં પણ પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને સુશોભનમાં મોટો સુધારો જોવા મળશે.