Loading Please Wait !!!
ચાંદખેડા ડબલ મર્ડર મિસ્ટ્રી: ઢોંસાના ખીરું નહીં પણ 'ઊંઘની દવા' એ લીધો માસૂમોનો ભોગ? બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

  • ફૂડ પોઈઝનિંગની થિયરી ધ્વસ્ત – માતા-પિતાના લોહીમાં નશીલા દ્રવ્યોના અંશ મળતા પોલીસ પણ સ્તબ્ધ
  • વિમલ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલમાં મળી ઊંઘની દવા – હવે FSL રિપોર્ટ પર સૌની નજર
  • પોલીસ તપાસમાં નવો ખુલાસો: ઢોંસાના ખીરુંથી મોત શક્ય નથી – દંપતીના ફરીથી લેવાશે નિવેદન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર પોલીસ તપાસની દિશા બદલી નાખી છે. અત્યાર સુધી જેને ડેરીમાંથી લાવેલા ઢોંસાના ખીરુંના કારણે થયેલ ફૂડ પોઈઝનિંગનો કિસ્સો માનવામાં આવતો હતો, તેમાં હવે મેડિકલ રિપોર્ટે નવો ધડાકો કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીઓના માતા-પિતા, વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવા (Sedative contents) ના અંશો મળી આવતા રહસ્ય વધુ ઘેરી બન્યું છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, પોલીસ અને તબીબી નિષ્ણાતોને શરૂઆતથી જ શંકા હતી કે માત્ર ખીરું ખાવાથી બે નાની બાળકીઓના મોત થાય અને માતા-પિતા બંને ગંભીર હાલતમાં પહોંચી જાય તે શક્ય નથી. બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાની હાજરી મળતા હવે પોલીસ 'હત્યા' કે 'સામૂહિક આત્મહત્યાના પ્રયાસ' ના એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ હવે એ દિશામાં કામ કરી રહી છે કે શું દંપતીએ જાણીજોઈને આ દવા લીધી હતી કે પછી કોઈએ તેમને આપી હતી.

ઘરમાંથી પુરાવા મેળવવા અંગે પીઆઈએ મહત્વની સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પર વાસણો જપ્ત કરવાની વાતો વહેતી થઈ હતી, જેને પોલીસે નકારી કાઢી છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ૩ એપ્રિલની છે, એટલે કે વાસણો તો ક્યારનાય ધોવાઈ ગયા હોય, માટે તેમાંથી હવે કોઈ કેમિકલ કે દવાના અવશેષો મળવાની શક્યતા નહિવત છે. જોકે, સીસીટીવી ફૂટેજમાં દંપતી ડેરી પર ખીરું લેવા જતું અને પરત આવતું જોવા મળ્યું છે, જે પરિવારના શરૂઆતના નિવેદનને પુષ્ટિ આપે છે.

માસૂમ મિષ્ટિ અને રાહાના કરૂણ મોત પાછળ ખરેખર કોણ જવાબદાર છે? તે જાણવા હવે પોલીસ વિમલ પ્રજાપતિ અને તેમની પત્નીના ફરીથી વિગતવાર નિવેદનો લેશે. ઊંઘની દવા તેમના શરીરમાં કઈ રીતે પહોંચી અને શું તે જ બાળકીઓના મોતનું મુખ્ય કારણ છે, તે સવાલ હવે તપાસના કેન્દ્રસ્થાને છે. પોલીસ અત્યારે એફએસએલ (FSL) ના સત્તાવાર અને ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં આવી શકે છે.

આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં ભારે ચકચાર જગાવી છે. એક સુખી પરિવારમાં અચાનક આવી દુર્ઘટના ઘટવી અને ત્યારબાદ તેમાં ઝેર કે ઊંઘની દવાની એન્ટ્રી થવી તે અનેક સવાલો ઉભા કરે છે. શું આ આર્થિક સંકડામણનો મામલો છે કે પછી કોઈ પારિવારિક વિખવાદ? આ તમામ પાસાઓ પર ચાંદખેડા પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ ગૂંચવાયેલા કેસમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.