અમદાવાદ ઢોસા કાંડમાં પોલીસ એક્શનમાં: બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો!
- ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો આક્ષેપ - FSL અને પોલીસની હાજરીમાં હવે થશે પોસ્ટમોર્ટમ
- ઘનશ્યામ ડેરીના માલિકનો બચાવ: "અમે 125 કિલો ખીરું વેચ્યું, બીજા કોઈને તકલીફ કેમ ન થઈ?"
- માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ - પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા મોતનું સાચું કારણ શોધશે
શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જેમાં ઢોસાના ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગ થતા બે બાળકીઓના મોત થયા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે આજે FSL ની ટીમની હાજરીમાં અઢી માસની બાળકી રાહાના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યો હતો. હવે આ મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.
ઘટનાની વિગત મુજબ, મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ૫ એપ્રિલના રોજ આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. આ ખીરાના ઢોસા ખાધા બાદ વિમલભાઈ, તેમના પત્ની ભાવનાબેન અને બે દીકરીઓની તબિયત લથડી હતી. ઉલ્ટીઓ થવા લાગતા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ૪ વર્ષની મીશ્રી અને અઢી માસની રાહાના કરુણ મોત નિપજ્યા હતા. હાલમાં માતા-પિતા બંને કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ કેસમાં હવે અનેક વળાંકો આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો મુજબ, પરિવારે ૩ કિલો ખીરું ખરીદ્યું હતું જેમાંથી માત્ર ૩૦૦ ગ્રામ વાપર્યું અને બાકીનું ૨.૭ કિલો ખીરું ડેરીમાં પાછું આપી દીધું હતું. બીજી તરફ, ડેરી માલિક કેતન પટેલે પોલીસને જણાવ્યું કે, "અમે તે દિવસે ૧૦૦ થી ૧૨૫ કિલો ખીરું વેચ્યું હતું. મેં પોતે અને મારા સંબંધીઓએ પણ એ જ લોટમાંથી ઢોસા ખાધા હતા, પરંતુ કોઈને કોઈ તકલીફ થઈ નથી."
ચાંદખેડા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખીરાના નમૂના લઈ FSL માં મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પરિવારે ૧ એપ્રિલે ખીરું લીધું હતું અને ૨ એપ્રિલે પણ તેમાંથી ઢોસા બનાવીને ખાધા હતા. શું મોત ખરેખર ખીરામાં રહેલા ઝેરી તત્વોથી થયું છે કે પછી અન્ય કોઈ કારણ છે, તે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSL ના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે ચાંદખેડા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.