Loading Please Wait !!!
અમદાવાદમાં વહેલી સવારે 'બોમ્બ બ્લાસ્ટ' જેવો ધડાકો: સિલિન્ડર ફાટતા 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, દરવાજો ઉછળીને સામેના મકાને અથડાયો!

  • નારણપુરાના ચામુંડાનગરમાં કાળજું ધ્રુજાવતી ઘટના - ગેસ લીકેજ બાદ શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થયો હોવાની આશંકા
  • સોલા સિવિલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો - સગડીનું બટન ચાલુ રહી જતાં આખી રાત ગેસ લીકેજ થયો અને સર્જાઈ હોનારત
  • વહેલી સવારે 5 વાગ્યે ખોફનાક અવાજથી આખું નગર ધ્રુજી ઉઠ્યું - ફાયર બ્રિગેડ અને પોલીસે સ્થળ પર પહોંચી તપાસ તેજ કરી

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક એવી ભયાનક દુર્ઘટના સર્જાઈ જેણે આખા શહેરને હચમચાવી દીધું છે. ચામુંડાનગરના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મકાનનો મજબૂત લોખંડનો દરવાજો પણ ઉખડીને હવામાં ફંગોળાયો અને સામેની દિવાલ સાથે અથડાયો હતો.

આંખે જોનારની આપવીતી પડોશમાં રહેતા મનીષભાઈ અને મહેશભાઈએ ધ્રૂજતા અવાજે જણાવ્યું કે, "સવારે 5 વાગ્યે અચાનક એવો અવાજ આવ્યો જાણે કોઈ બોમ્બ ફૂટ્યો હોય. અમે દરવાજો ખોલ્યો તો જોયું કે પાંચ લોકો આખા શરીરે દાઝી ગયા હતા અને જીવ બચાવવા રોડ તરફ ભાગી રહ્યા હતા." પડોશીઓએ તાત્કાલિક પોતાના ઘરોના ગેસ સિલિન્ડર સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા જેથી વધુ કોઈ મોટી હોનારત ન સર્જાય.

બેદરકારી પડી ભારે? ઘટનાસ્થળની તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી છે. ગેસ સગડીનું એક બટન ચાલુ હાલતમાં મળી આવ્યું છે. માનવામાં આવે છે કે રાત્રે રસોઈ કર્યા બાદ કોઈ ભૂલથી બટન બંધ કરવાનું ભૂલી ગયું હશે, જેના કારણે આખી રાત ઘરમાં ગેસ ભરાયો હતો. સવારે જ્યારે કોઈએ લાઈટની સ્વીચ પાડી હશે કે અન્ય કોઈ રીતે સ્પાર્ક થયો હશે, ત્યારે જમા થયેલા ગેસના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

બધું જ વળીને ખાખ આગની લપેટમાં ઘરનો તમામ સામાન - ગાદલા, કપડાં, મોબાઈલ અને કરિયાણું બળીને રાખ થઈ ગયું છે. ઈજાગ્રસ્તોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.