"અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સામે CP જી. એસ. મલિક મેદાનમાં: પીરાણા ચાર રસ્તા પર 'કટ' બંધ કરી ટ્રાફિક હળવો કરાયો"
- હવે ક્રાઈમ બાદ ટ્રાફિક પોલીસની ટોચની પ્રાયોરિટી - નારોલ અને વિશાલા હાઈવે પર કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ
- ડિવાઈડરના કટ બંધ થતાં વાહનોની ગતિ વધી - થલતેજ પેલેડિયમ અને એસ.જી. હાઈવે પર પણ થશે સર્વે
- ટ્રાફિક બ્રિગેડમાં 450 નવા જવાનોની ભરતી - પીરાણા ડમ્પિંગ સાઈડના ટ્રાફિક જામમાંથી વાહનચાલકોને મળી રાહત
અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વકરતી ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે અમદાવાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે આજે ૨૩ માર્ચના રોજ નારોલ-વિશાલા હાઈવે પર આવેલા પીરાણા ડમ્પિંગ સાઈડ ચાર રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. સીપીએ જણાવ્યું હતું કે શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કાબૂમાં છે, તેથી હવે પોલીસનું મુખ્ય ધ્યાન ટ્રાફિક સમસ્યા હલ કરવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રયોગ મુજબ, પીરાણા ચાર રસ્તા પર ખૂબ જ અવરજવર રહેતી હોવાથી ત્યાંના ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને વાહનો સરળતાથી અવરજવર કરી રહ્યા છે. આવી જ રીતે નારોલ કોઝી હોટલ પાસે પણ કટ બંધ કરીને ટ્રાફિકનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ સ્થળોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
પોલીસ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે માત્ર કટ બંધ કરવા પૂરતું નથી, પરંતુ સિગ્નલ મેનેજમેન્ટ પણ જરૂરી છે. સુભાષ બ્રિજથી લઈને અખબાર નગર સુધીના તમામ ટ્રાફિક સિગ્નલ પર ફરીથી ચકાસણી કરવામાં આવશે. વાહનોના પ્રવાહ મુજબ સિગ્નલનો ટાઈમિંગ કેટલો રાખવો તેનો સર્વે કરીને નવો પ્લાન અમલમાં મુકાશે. આવતીકાલે થલતેજ વિસ્તારમાં પેલેડિયમ મોલ પાસે પણ સ્થળ નિરીક્ષણ કરીને ત્યાંના ટ્રાફિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના કાફલામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડમાં અંદાજે ૪૫૦ જેટલા નવા જવાનોની ભરતી કરવામાં આવી છે, જેમાંથી ૧૫૦ થી વધુ જવાનોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે અને તેઓ ફરજ પર જોડાઈ ગયા છે. કમિશનરના આ સક્રિય અભિગમથી શહેરના વ્યસ્ત એવા એસ.જી. હાઈવે અને અન્ય રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે.