અમદાવાદમાં ચૂંટણીનો ધમધમાટ: ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, ટિકિટ મેળવવા દાવેદારોનું ઘોડાપૂર
- ખેતી બેન્ક ખાતે નિરીક્ષકો સમક્ષ રજૂઆત શરૂ - જોધપુરથી ચાંદખેડા સુધીના વોર્ડમાં રાજકીય ગરમાવો
- શહેર પ્રમુખ પ્રેરક શાહની હાજરીમાં પ્રક્રિયાની સમીક્ષા - વહેલી સવારથી જ કાર્યકરો સમર્થકો સાથે ઉમટી પડ્યા
- વેજલપુર, સરખેજ અને સાબરમતી સહિતના વોર્ડ માટે દાવેદારીની નોંધણી - ખેતી બેન્ક ખાતે મૂરતિયાઓની ભીડ
આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટેની મથામણ તેજ કરી દીધી છે. આજથી એટલે કે બીજી એપ્રિલથી શહેરના વિવિધ વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ટિકિટ મેળવવા ઈચ્છુક મુરતિયાઓ પોતાના સમર્થકો અને બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.
ખેતી બેન્ક અને આર.કે. હોલ ખાતે ધમધમાટ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહની સીધી દેખરેખ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નારણપુરાની ખેતી બેન્ક ખાતે સવારના 9:30 વાગ્યાથી જ રાજકીય માહોલ જામ્યો હતો. પ્રથમ દિવસે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના મહત્વના વોર્ડ જેમ કે જોધપુર, વેજલપુર અને સાબરમતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રેરક શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષમાં આંતરિક લોકશાહી મુજબ દરેક કાર્યકરને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે.
ચાંદલોડિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો આજના દિવસની સૌથી વધુ રસાકસી ચાંદલોડિયા વોર્ડમાં જોવા મળી રહી છે. અહીં દાવેદારોની સંખ્યા એટલી મોટી છે કે સાયન્સ સિટી રોડ પર આવેલા આર.કે. હોલ બહાર સમર્થકોની લાંબી કતારો લાગી હતી. મકતમપુરા અને સરખેજ જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક વોર્ડ માટે પણ ભાજપે ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે. સાંજ સુધીમાં ચાંદખેડા વોર્ડના ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવશે, જેના આધારે તૈયાર થયેલું પેનલ લિસ્ટ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે.