Loading Please Wait !!!
વંથલી યાર્ડમાં તંત્રની ઘોર બેદરકારી: ઘઉંની ધીમી ખરીદીથી ખેડૂતો પરેશાન

  • 40 દિવસમાં માત્ર 452 ખેડૂતોનો વારો, વરસાદની બીકે ખેડૂતો સસ્તામાં માલ વેચવા મજબૂર
  • બારદાનની અછત અને ગોકળગાય ગતિથી થતી કામગીરીથી જગતનો તાત ભારે રોષમાં
  • રોજના માંડ 3 ટ્રેક્ટરનો તોલ થતા ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘઉંની ટેકાના ભાવે ખરીદીની ધીમી પ્રક્રિયા અને તંત્રની વહીવટી અણઘડતાના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારે અંદાજે અઢી મહિના પહેલાં ખેડૂતોના ઘઉંની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું, જેમાં વંથલી તાલુકાના કુલ 1592 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. છેલ્લા 40 દિવસથી નિગમ દ્વારા ખરીદી ચાલી રહી છે, પરંતુ ગોકળગાય ગતિએ ચાલતા કામના કારણે ચોમાસું નજીક હોવાથી વરસાદના ભયથી ખેડૂતો પોતાનો માલ સસ્તા ભાવે ખુલ્લા બજારમાં વેચી દેવા મજબૂર બન્યા છે.

ખોરાસા ગામના માજી સરપંચ મેરૂભાઈ ચાવડાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા 40 દિવસમાં તંત્રએ માત્ર 452 ખેડૂતોના જ ઘઉંની ખરીદી કરી છે અને હજી 1150 ખેડૂતો પોતાનો માલ વેચવા માટે યાર્ડના ધક્કા ખાઈ રહ્યા છે. યાર્ડમાં દિવસ દરમિયાન માત્ર 3 ખેડૂતોના ટ્રેક્ટરનો તોલ થાય છે અને કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી. બીજી તરફ, ધણફુલીયા ગામના ખેડૂત પરેશ ચાવડાએ ટેકનિકલ ખામીઓ વર્ણવતા કહ્યું કે યાર્ડ તરફથી ખેડૂતોને સમયસર મોબાઈલ મેસેજ મળતા નથી. સ્ટાફ એકબીજા પર જવાબદારી ઢોળે છે અને ખેડૂતોને યોગ્ય જવાબ ન મળતા ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

આ સમગ્ર અવ્યવસ્થા મામલે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર હિતેશ સિસોદિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે 1 મે 2026 થી ખરીદી શરૂ થઈ હતી પરંતુ પૂરતા બારદાન ન હોવાથી પ્રક્રિયા વારંવાર અટકતી હતી. જોકે, બે દિવસ પહેલાં જ વધુ 10000 નવા બારદાનનો જથ્થો આવી ગયો છે. અત્યાર સુધીમાં 553 ખેડૂતોને મેસેજ મોકલી દેવાયા છે અને હવે દરરોજ 100 થી 150 ખેડૂતોને મેસેજ મોકલીને આગામી 15 તારીખ સુધીમાં ઘઉંની તમામ ખરીદી પ્રક્રિયા આટોપી લેવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.

ખેડૂતોની હાલાકીનો અંત ક્યારે? સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો તો થાય છે પરંતુ ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા સાવ અલગ છે. વંથલી યાર્ડમાં બારદાનની અછત અને સિસ્ટમના ધાંધિયાને લીધે જગતનો તાત રડી રહ્યો છે. વરસાદ માથે છે ત્યારે માલ ક્યાં સાચવવો તે મોટો પ્રશ્ન છે. અધિકારીઓએ માત્ર વાયદા કરવાના બદલે નક્કર કામગીરી કરી ખરીદી ઝડપી બનાવવી જોઈએ જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન વેઠવું પડે.