અમદાવાદમાં ધોળેદિહાડે રમત રમાઈ! નરોડામાં યુવતી પર એસિડ એટેક: પિતાએ જ સોપારી આપી હોવાની શંકા
- નોકરીથી ઘરે પરત ફરતી દીકરીને હેલમેટધારી શખ્સે નિશાન બનાવી - મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજા
- બે મહિનાથી માતાના ઘરે રહેતી યુવતી પર જ્વલંતશીલ પદાર્થ ફેંકાયો - સરદારનગર પોલીસની 'શૂન્ય' કામગીરી પર ઉઠ્યા સવાલો
- સરદારનગર પી.આઈ. પર જનતા સેનાના આક્ષેપ - ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં પણ બેદરકારીના આક્ષેપોથી ખળભળાટ
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીના નાકે નોકરીથી ઘરે પરત ફરી રહેલી એક યુવતી પર અજાણ્યા બાઈક સવારે એસિડ અથવા કોઈ જ્વલંતશીલ પદાર્થ ફેંકી હુમલો કર્યો છે. આ હુમલામાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘાત લગાવીને બેઠો હતો હુમલાખોર મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી કારના શો-રૂમમાં નોકરી કરે છે અને છેલ્લા બે મહિનાથી પોતાના પતિથી અલગ માતાના ઘરે રહેતી હતી. ગઈકાલે સાંજે જ્યારે તે નોકરીથી પરત આવી રહી હતી, ત્યારે હેલમેટ પહેરેલા બે બાઈક સવારો તેની રાહ જોઈને જ ઉભા હતા. યુવતી જેવી નજીક પહોંચી કે તરત જ હુમલાખોરોએ તેના પર એસિડ ફેંક્યું અને ફરાર થઈ ગયા. યુવતીએ મોઢા પર દુપટ્ટો બાંધ્યો હોવાથી તેનો બચાવ થયો છે, તેમ છતાં હોઠ અને આંખના ભાગે ઈજાઓ પહોંચી છે.
પરિવારના આક્ષેપો: "બાપ જ કરાવે છે આ બધું" આ ઘટના બાદ પીડિતાની માતાએ રડતી આંખે આક્ષેપ કર્યો છે કે આ હુમલો યુવતીના પિતાએ જ કરાવ્યો છે. યુવતીએ પણ પોલીસ નિવેદનમાં પોતાના પિતા પર શંકા વ્યક્ત કરી છે. કૌટુંબિક વિવાદના કારણે પિતાએ આ ભયાનક પગલું ભરાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. સરદારનગર પોલીસ હાલ યુવતીના પિતાની શોધખોળ કરી રહી છે.
પોલીસ તંત્ર સામે જનતાનો આક્રોશ જનતા સેના ગુજરાતના અધ્યક્ષ કલ્પેશ પરમારે આ મામલે સરદારનગર પોલીસની કામગીરીને 'શૂન્ય' ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ઘટનાના લાંબા સમય બાદ પણ માત્ર PCR આવીને જતી રહી હતી, કોઈ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. તેમણે વધુમાં જણાવ્યું કે જ્વલંતશીલ પદાર્થના સેમ્પલ લેવા કે FSL તપાસ જેવી પ્રાથમિક કામગીરીમાં પણ પોલીસ નિષ્ફળ રહી છે.
સીસીટીવી ફૂટેજમાં હુમલાખોર બાઈક લઈને જતો દેખાયો છે. પોલીસે હાલ અલગ-અલગ સોસાયટીના ફૂટેજ મેળવીને હુમલાખોર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં દીકરીઓ પર થતા આવા હુમલા સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી રહ્યા છે.