ભાકોદર માઈન્સ વિસ્તારમાંથી યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
» વારા સ્વરૂપ ગામનો યુવાન બે દિવસથી હતો ગુમ
» વન્ય પ્રાણીના હુમલામાં યુવકનું મોત થયાની આશંકા
» સ્થાનિકોમાં વનવિભાગની કામગીરી સામે ભારે રોષ
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર અને વારા સ્વરૂપ ગામ વચ્ચે આવેલા માઈન્સ વિસ્તારમાંથી એક યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ વન્ય પ્રાણીએ યુવક પર હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની આશંકા સેવાઈ રહી છે. વારા સ્વરૂપ ગામના ભરત મધુભાઈ બારૈયા નામના યુવાન છેલ્લા ૨ દિવસથી ગુમ થયા હતા. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ભાકોદર ગામ નજીક માઈન્સ વિસ્તારમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓમાંથી ગુમ થયેલા યુવકના માત્ર અવશેષો જ હાથ લાગ્યા હતા. ઘટનાસ્થળે આસપાસના ગ્રામજનોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ વનવિભાગની ટીમ અને મરિન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહના અવશેષો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો દબદબો હોવા છતાં સુરક્ષાના અભાવે આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.