અમદાવાદમાં ભાજપનું 'ઓપરેશન ક્લીન': 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે, 12 વોર્ડમાં આખી પેનલ બદલાશે!
- 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડેલા નેતાઓ આઉટ – નવા અને નિષ્કલંક ચહેરાઓને મળશે પ્રાધાન્ય
- વિવાદિત નેતાઓ પર ફરશે કાતર – ખોખરાથી લઈને નવરંગપુરા સુધીના પૂર્વ કોર્પોરેટરો પર જોખમ
- જૈનિક વકીલ અને પ્રદીપ દવે જેવા નેતાઓનું પલ્લું ભારે – 8 અને 9 એપ્રિલે ઉમેદવારો અંગે નિર્ણાયક ચર્ચા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ભાજપે ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૮ અને ૯ એપ્રિલ દરમિયાન ચાલનારી બેઠકોમાં ભાજપ ૭૦ ટકાથી વધુ વર્તમાન કોર્પોરેટરોને ઘરભેગા કરવાની તૈયારી કરી રહ્યું છે. અંદાજે ૧૪૦ જેટલા કોર્પોરેટરોની ટિકિટ પર કાતર ફરી શકે છે. પક્ષે આ વખતે 'સ્વચ્છ છબી' અને 'યુવા જોશ' પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે.
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરાયેલી નીતિ મુજબ, ૬૦ વર્ષથી ઉપરની વયના અને જેઓ ત્રણ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટણી લડી ચૂક્યા છે, તેવા નેતાઓને આ વખતે આરામ આપવામાં આવશે. આ ઉપરાંત, વિવાદોમાં ઘેરાયેલા કોર્પોરેટરો પક્ષ માટે બોજ ન બને તે માટે તેમને ટિકિટ ન આપવાનું મન મક્કમ કરી લેવાયું છે. ખોખરા વોર્ડમાં વિદેશ વસવાટના વિવાદમાં ફસાયેલા ચેતન પરમાર હોય કે રામોલ-હાથીજણના વિવાદિત સિદ્ધાર્થ પરમાર, પક્ષે તેમની કામગીરી અને વિવાદોનું એનાલિસિસ પૂર્ણ કરી લીધું છે.
આ વખતે ભાજપ ૧૨ જેટલા મહત્વના વોર્ડમાં આખેઆખી નવી પેનલ મેદાનમાં ઉતારશે. ઘાટલોડિયા, નવા વાડજ, દરિયાપુર, જમાલપુર અને બહેરામપુરા જેવા વોર્ડમાં ચારેય ઉમેદવારો નવા હશે. જાતિગત સમીકરણો અને અનામત રોટેશનના કારણે ઘણા વોર્ડમાં ભાજપને નવા ચહેરા શોધવાની ફરજ પડી છે. જોકે, જે હોદ્દેદારોએ કમિટીઓમાં એક્ટિવ રહીને પ્રશંસનીય કામગીરી કરી છે, તેમને ફરી તક મળવાની પૂરેપૂરી શક્યતા છે. જેમાં જૈનિક વકીલ, પ્રદીપ દવે અને પ્રકાશ ગુર્જર જેવા નામો મોખરે છે.
ચૂંટણી પંચની નવી મતદાર યાદી અને SIR (Special Investment Region) ના કારણે બદલાયેલા સીમાંકનને લીધે પણ ભાજપ પોતાની જૂની રણનીતિ બદલી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપ આક્રમક પેનલ ઉતારીને ગાબડું પાડવા માંગે છે. આગામી બે દિવસમાં ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજાનારી બેઠકો બાદ સત્તાવાર ઉમેદવારોના નામો પર આખરી મહોર લાગશે, જેના કારણે હાલમાં મહાનગરપાલિકાના રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.