Loading Please Wait !!!
45 ડિગ્રી પાર જશે પારો ! પછી આવશે વાવાઝોડું ?

  • 15 મેથી ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવિટીના સંકેત
    પહેલા તપીશ પછી તોફાન: ગુજરાત માટે ડબલ એલર્ટ

સિટી ન્યૂઝ@અમદાવાદ : ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી રહ્યો છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, ગુજરાતમાં અત્યારે તો માત્ર શરૂઆત છે, અસલી ગરમીનો પારો તો હવે ચઢવાનો શરૂ થશે. 9 મે બાદ રાજ્યના તાપમાનમાં તોતિંગ વધારો થવાની સંભાવના છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રઅને કચ્છના વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ગરમીનો કેર વર્તાશે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ પંથકમાં પણ લૂ ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા સાવચેતી રાખવા જણાવાયું છે.

ગરમીના આ કેર વચ્ચે રાહતના સમાચાર એ છે કે 15 મે પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. પવનની દિશા બદલાવાને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. આ ગતિવિધિઓ ચોમાસાના આગમન પૂર્વેના સંકેત માનવામાં આવે છે.

હવામાન નિષ્ણાતે દરિયાઈ પટ્ટી પર રહેતા લોકો માટે પણ ચેતવણી આપી છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ હલચલને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં ધરખમ વધારો થશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે હાઈડ્રેટેડ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

25 મેએ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે

લાપસીના આંધણ મૂકી દો ! 16 જૂનથી ચોમાસુ આવી જશે

ગુજરાત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા થોડું વહેલું દસ્તક આપી શકે છે. ખાસ કરીને 25 મે આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 23 મે બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો તે સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે.

15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો-પ્રેશર સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 15જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ બન્યું છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં MJO ફરી હિન્દ મહાસાગરમાં સક્રિય થતાં પ્રિ-મોન્સૂન વરસાદને વેગ મળી શકે છે. તેના કારણે દક્ષિણ ભારત સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જો કે, આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે ઉકળાટ વધશે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે ઉનાળુ પાક તૈયાર થઈ ગયો હોય તો વહેલી તકે લણણી કરી સુરક્ષિત સંગ્રહ કરી લેવો, કારણ કે મેના અંતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ બની શકે છે.