Loading Please Wait !!!
ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં બે વર્ષમાં ૩૪% નો ચિંતાજનક વધારો!

 

  • યુવા વયે કિડનીના દર્દીઓમાં વધારો થવો એ અત્યંત ચિંતાનો વિષય છે.

  • રજાના દિવસો બાદ કરતા દરરોજ સરેરાશ બેથી વધુ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

  • દેશભરમાં દિલ્હી ૨૪૫૮ ટ્રાન્સપ્લાન્ટ સાથે મોખરે અને તામિલનાડુ બીજા સ્થાને છે.

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ, ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં માત્ર બે વર્ષમાં ૩૪ ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. જેમાં વર્ષ ૨૦૨૩ માં ૮૧૮ જ્યારે વર્ષ ૨૦૨૫ માં ૧૦૯૯ દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. વધુ ચિંતાની વાત એ પણ છે કે, કિડનીની રાહ જોતાં પાંચ વર્ષમાં ૧૬ દર્દીઓના મોત થયા છે. સિવિલની કિડની હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૬ માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓની સંખ્યા ૩૪૧ હતી અને તે હવે ૨૦૨૫ માં વધીને ૫૦૦ થઈ ગઈ છે, જેમાં ૩૩૦ દર્દી ગુજરાતના અને ૧૭૦ ગુજરાત બહારના હતા.

ગયા વર્ષે થયેલા કુલ ટ્રાન્સપ્લાન્ટમાંથી ૧૫૭ કેડેવર અને ૪૯ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા થયા હતા. હાલ રજાના દિવસોને બાદ કરવામાં આવે તો દરરોજ સરેરાશ બેથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવિલમાં થાય છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૨૫ માં ૫.૬૧ લાખ દર્દીનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે દરરોજ સરેરાશ ૧૫૩૮ દર્દીને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૨૫ માં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર રાજ્યોમાં દિલ્હી મોખરે છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, હવે ખાસ કરીને યુવા વયે કિડનીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ સમસ્યા પાછળ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કેસમાં થતો વધારો મુખ્ય જવાબદાર છે, કારણ કે લાંબા સમય સુધી અનકંટ્રોલ રહેતો ડાયાબિટીસ કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત વધુ મીઠું, તેલિયું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ટેવ પણ જોખમ વધારે છે.

લોકોમાં પાણી ઓછું પીવાની ટેવ, કસરતનો અભાવ તેમજ ડોક્ટરની સલાહ વગર પેઇનકિલર અને સ્ટેરોઇડ્સનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કિડની ધીમે-ધીમે ખરાબ થતી જાય છે. કેટલાક વિસ્તારોમાં હાર્ડ વોટર કે કેમિકલ મિશ્રિત પાણી પણ હાનિકારક સાબિત થાય છે. જોકે જાગૃતિ અને ડાયગ્નોસિસ વધવાને કારણે હવે સમયસર રોગનું નિદાન થઈ શકે છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા નાગરિકોને યોગ્ય જીવનશૈલી અપનાવવા અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી સમયસર કિડનીના જોખમને અટકાવી શકાય.