Loading Please Wait !!!
સુરતમાં રેગિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને રેસિડેન્ટ ડૉ. હર્ષનો આપઘાત!

 

  • નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી.

  • ચાર આરોપી સિનિયરોને 6 મહિના માટે હોસ્પિટલ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા.

  • માઈક્રોબાયોલોજી વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને શો કોઝ નોટિસ અપાઈ.

સિટી ન્યુઝ @ સુરત

સુરત, સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાતમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું ૪ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર રેગિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આ રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને ૬ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે એફઆઈઆર (FIR) પણ નોંધવામાં આવશે.

ચોંકાવનારી વાત તો એ છે કે, ૪ સિનિયર ડૉક્ટરોમાંથી ૩ મહિલાઓ છે, જેઓ મૃતક ડૉક્ટરને રેગિંગ કરી ગાળો આપીને ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’ કહીને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખતી અને માનસિક ત્રાસ આપતી હતી. એન્ટી-રેગિંગ સ્કોડે મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ અંતર્ગત રેગિંગ સાબિત કર્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્યમંત્રીએ પણ કડક ચેતવણી આપી છે કે જો કોઈ આવું કરતું હોય તો તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ.

આ ઘટનામાં મૃતકના પિતાની ફરિયાદના આધારે રાત્રે ૮:૩૦ થી સવારના ૦૪:૦૦ વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી, જેમાં ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં પ્રથમ વર્ષના ૯ રેસિડેન્ટ ડોક્ટરો તથા અન્ય સ્ટાફના નિવેદનો નોંધાયા હતા. કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ બદલ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતને ૬ માસ માટે સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને પણ શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે હર્ષ ખૂબ જ શાંત અને મજબૂત મનોબળ ધરાવતો યુવાન હતો, તે આ રીતે આપઘાત કરે તેવો નહોતો. પરિવારને આખી ઘટના શંકાસ્પદ લાગતા તેમણે રી-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પીએમની માગણી કરી છે. અગાઉ પણ આવા કિસ્સાઓ બન્યા હોવાથી વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ કરુણ ઘટનાએ તબીબી શિક્ષણ જગતમાં ચાલતી રેગિંગ અને ટોક્સિસિટી સામે લાલબત્તી ધરી દીધી છે, ત્યારે કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ પ્રબળ બની છે.