૧૪ વર્ષની આનંદીનું રમતા-રમતા હૃદય થંભ્યું, પરિવારમાં આક્રંદ
રાજકોટમાં મામાના ઘરે બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી
પરિવાર સાથે જમવા ગયેલી આનંદીનું હોસ્પિટલમાં નિધન
સિવિયર એટેકથી કિશોરીનું મૃત્યુ થતાં સ્વજનોમાં શોકનું મોજું
સિટી ન્યુઝ @ જામનગર
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય આનંદી રાજેશભાઈ મોદીનું હૃદયદ્રાવક અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની વિગત મુજબ, પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આનંદી તેના પરિવાર સાથે રાજકોટમાં મામાના ઘરે આવી હતી. એક સામાજિક પ્રસંગ બાદ પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી તે અન્ય બાળકો સાથે રમતમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક તે જમીન પર ઢળી પડી હતી.
આનંદીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તારણો મુજબ તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, આનંદીને અગાઉ કોઈ પણ ગંભીર બીમારી ન હતી અને તે હંમેશા હસતી-ખેલતી રહેતી હતી, જેના કારણે આ અકાળ અવસાનથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
આ ઘટના બાદ આનંદીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક કિશોરીના મામા ગોપાલ કટારિયાએ જણાવ્યું કે, વડીલો વાતો કરી રહ્યા હતા અને બાળકો રમતમાં મગ્ન હતા ત્યારે જ આનંદીને સિવિયર એટેક આવ્યો હતો. નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યાઓથી થયેલા આ અકાળ અવસાનના સમાચાર મળતા જ સગા-સંબંધીઓ અને પરિચિતો હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાને દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર યોજાયા હતા.
બોક્સ મેટર: વધતી જતી ચિંતાનો વિષય
નાની વયના બાળકો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ અને હાર્ટ એટેકના વધતા બનાવો હાલમાં ચિંતાનો મુખ્ય વિષય બન્યા છે. કોઈ પણ ગંભીર બીમારી વગર અચાનક ઢળી પડવાની ઘટનાઓ સમાજ માટે એક ચેતવણી સમાન છે. ડોક્ટરોના મતે, અનિયમિત જીવનશૈલી અને આનુવંશિક કારણો આવી ઘટનાઓ પાછળ જવાબદાર હોઈ શકે છે. આનંદી જેવા અકાળ અવસાનથી પરિવારની લાડકી ગુમાવનાર પરિવારો માટે આ એક વણપૂર્યો આઘાત છે.