₹363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનો કાયાકલ્પ: વર્ષ 2027 સુધીમાં બદલાશે તસવીર
- એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો મેગા પ્રોજેક્ટ; હવે સીધા એરબસ 320 વિમાન ઉતરશે
- સ્થાનિક યુવાનો અને ખેડૂતો માટે ખુલશે વૈશ્વિક પ્રગતિના નવા દ્વારા
- કાર્ગો પ્લેનની સુવિધાથી સ્થાનિક વેપારીઓ માલામાલ થશે, વિશ્વમાં ગુંજશે કેશોદનું નામ
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને રાજાશાહી સમયના પ્રખ્યાત કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ એક અદભુત અને અભૂતોપૂર્વ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ઐતિહાસિક એરપોર્ટના સંપૂર્ણ આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ માટે અંદાજે ૩૬૩ કરોડ રૂપિયાના જંગી ખર્ચે એક ભવ્ય અને મહત્વાકાંક્ષી મેગા પ્રોજેક્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં ક્રાંતિ આવશે અને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો, વેપારીઓ અને ખેડૂતો માટે પ્રગતિના મોટા દ્વાર ખુલી જશે. આ આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેશોદ એરપોર્ટની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મજબૂત બનશે.
એરપોર્ટ ડાયરેક્ટર રાજકપૂર મીનાના જણાવ્યા અનુસાર, હાલમાં આ એરપોર્ટ પર માત્ર એલાયન્સ એરની સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઈટ અને મર્યાદિત ક્ષમતા ધરાવતા માત્ર ATR 72 (કોડ-3) પ્રકારના નાના એરક્રાફ્ટ જ લેન્ડ થઈ શકે છે. પરંતુ આ નવો પ્રોજેક્ટ કમ્પ્લિટ થયા પછી કેશોદ એરપોર્ટ પર ૨૫૦0 મીટરના નવા રનવે અને આધુનિક ટર્મિનલની મદદથી એરબસ 320 જેવા મોટા કદના પેસેન્જર એરક્રાફ્ટ પણ ખૂબ જ સરળતાથી ઉતરી શકશે. આ ઉપરાંત અહીંયા પાઇલોટોની મદદ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) ટેકનોલોજી સેટઅપ કરાશે, જેનાથી પ્રતિકૂળ હવામાન કે ઘાઢ ધુમ્મસમાં પણ વિમાનોનું ઓપરેશન થઈ શકશે, જેથી દેશની નામાંકિત એરલાઇન્સ કંપનીઓ અહીં ફ્લાઇટ શરૂ કરવા આકર્ષાશે. આ લોકેશનથી સોમનાથ મંદિર, ગીર નેશનલ પાર્ક અને દ્વારકા નજીક હોવાથી પર્યટકોને પણ મોટી સુવિધા મળશે.
એરપોર્ટ પ્રશાસને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે અહીં 'પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ' શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપીને એજન્સીઓને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે, જે આગામી દોઢ વર્ષમાં ધમધમતી થશે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે આ એરપોર્ટના ઐતિહાસિક મહત્વને યાદ કરતા જણાવ્યું કે ભાગલા વખતે જૂનાગઢના નવાબ પણ આ જ એરપોર્ટ પરથી પાકિસ્તાન ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ અહીં એક ભવ્ય કાર્ગો પ્લેન ટર્મિનલ પણ બનાવવામાં આવી રહ્યું છે, જે વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. આ સુવિધા શરૂ થતાં જ સ્વાદિષ્ટ કેરી, ચીકુ, નારિયેળ અને દરિયાઈ પટ્ટીની ખાદ્ય સામગ્રી સીધી વિદેશમાં નિકાસ કરી શકાશે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને વ્યાપારીઓ આર્થિક રીતે સક્ષમ બનશે અને વૈશ્વિક સ્તરે કેશોદનું નામ ગુંજતું થશે.
સ્થાનિક પેદાશો સીધી ગ્લોબલ માર્કેટમાં ધૂમ મચાવશે કેશોદ અને તેની આસપાસના દરિયાઈ તેમજ ગીર પંથકના ખેડૂતો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્ગો ટર્મિનલ એક્ટિવ થવાથી મધ્ય પૂર્વ અને યુરોપના દેશોમાં સ્થાનિક ફળો તેમજ સી-ફૂડની નિકાસ ખૂબ જ ઝડપથી અને સસ્તા દરે થઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વિશેષ ભેટ સૌરાષ્ટ્રના કૃષિ અને ઔદ્યોગિક વિકાસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ આપશે.