Loading Please Wait !!!
ભાવનગર જિલ્લા ભાજપમાં 'મુરતિયા'નો રાફડો ફાટ્યો: સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 1294 દાવેદારો મેદાને!

  • નિરીક્ષકોએ બે દિવસ સુધી કાર્યકરોને સાંભળ્યા - દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં તૈયાર થશે ઉમેદવારોની પેનલ
  • 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 મુરતિયા મેદાને - પ્રદીપ પરમાર સહિતના પ્રદેશ નિરીક્ષકોએ નોંધણી પૂર્ણ કરી
  • પાલિતાણા અને ભાવનગરમાં નિરીક્ષકોએ લીધી સેન્સ - શિસ્ત અને કાર્યદક્ષતાના આધારે નક્કી થશે ઉમેદવારોનું નસીબ

ગુજરાતમાં ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લા ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બે દિવસ સુધી ચાલેલી આ મથામણમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકો માટે કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ ૧૩ મંડળોની બેઠકો માટે ૧૨૯૪ જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવીને પોતાની દાવેદારી નોંધાવી છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાયેલી આ પ્રક્રિયામાં સૌથી વધુ ખેંચતાણ તાલુકા પંચાયતોમાં જોવા મળી છે. જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ બેઠકો માટે ૯૧૩ કાર્યકરોએ દાવેદારી કરી છે, જેનો અર્થ એ છે કે દરેક બેઠક પર સરેરાશ ૪ થી વધુ મુરતિયા મેદાને છે. આવી જ સ્થિતિ જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે છે, જ્યાં ૩૮૧ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. જ્યારે ૩ નગરપાલિકાઓની ૯૬ બેઠકો માટે ૩૭૭ કાર્યકરો મેદાનમાં છે.

પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકોએ ભાવનગર અને પાલિતાણા ખાતે રોકાઈને દરેક દાવેદાર કાર્યકરની રજૂઆત સાંભળી હતી. નિરીક્ષકોમાં પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર, મહેશ પટેલ અને દિનેશ મકવાણા સહિતના નેતાઓએ કાર્યકરોની શિસ્ત, સંગઠન ક્ષમતા અને સ્થાનિક સ્તરે તેમની પકડની વિગતો મેળવી હતી. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, પક્ષની માર્ગદર્શિકા મુજબ માત્ર સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારોને જ પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે.

હવે સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક કક્ષાએથી ૨ કે ૩ નામોની પેનલ બનાવીને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ નામો પર આખરી મંથન થશે અને ત્યારબાદ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. એક તરફ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ભાજપમાં આટલી મોટી સંખ્યામાં દાવેદારો નોંધાતા ટિકિટ ફાળવણીમાં સંતુલન જાળવવું પક્ષ માટે પડકારરૂપ બની રહેશે. કયા કાર્યકરનું નસીબ ખુલે છે અને કોને કમળના નિશાન પર લડવાની તક મળે છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે.