Loading Please Wait !!!
કેસરિયા કિલ્લામાં ટિકિટ માટે પડાપડી: ગાંધીનગરની 176 બેઠકો માટે 548 દાવેદારો, ભાજપમાં 'મુરતિયા'નો રાફડો ફાટ્યો!

  • સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ - ઓબીસી અનામત બેઠકો પર ઉમેદવાર પસંદગી ભાજપ માટે મોટો પડકાર
  • દહેગામ, કલોલ અને માણસામાં ટિકિટ વાંચ્છુઓની ભીડ - જિલ્લા પંચાયતની 21 બેઠકો માટે 121 દાવેદારો મેદાને
  • નગરપાલિકાના વોર્ડમાં પણ ફોર્મનો વરસાદ - ઠાકોર ક્ષત્રિય મતદારોના વર્ચસ્વ વચ્ચે ભાજપ કોને આપશે તક?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લા ભાજપમાં 'કેસરિયા' લડવૈયાઓનો રાફડો ફાટ્યો છે. જિલ્લાની કુલ ૧૭૬ બેઠકો માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ૫૪૮ જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવાની ઉત્કટ ઈચ્છા દર્શાવી છે. ભાજપનો જે પ્રકારે દબદબો છે તે જોતા સત્તાના સથવારે પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવા માંગતા દાવેદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી સ્થિતિ ગાંધીનગર તાલુકાની સાદરા જિલ્લા પંચાયત બેઠક પર જોવા મળી છે. આ બેઠક બિનઅનામત હોવાથી અહીં ભાજપની ટિકિટ મેળવવા માટે ૨૧ જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. એક જ બેઠક પર આટલા મોટા પ્રમાણમાં ફોર્મ ભરાતા ખુદ પક્ષના નિરીક્ષકો પણ અવાચક રહી ગયા છે. આ સ્થિતિ દર્શાવે છે કે પક્ષમાં આંતરિક સ્પર્ધા કેટલી તીવ્ર બની છે.

બીજી તરફ, ગાંધીનગર જિલ્લામાં ઠાકોર ક્ષત્રિય મતદારોનું વર્ચસ્વ હોવાથી આ વખતે ઠાકોર સેનાના અનેક અગ્રણીઓએ પણ ભાજપના નિશાન પર ચૂંટણી લડવા માટે ઝંપલાવ્યું છે. ખાસ કરીને ઓબીસી અનામત ધરાવતી બેઠકો પર ઠાકોર સેનાના આગ્રહ અને દાવેદારીને કારણે ભાજપ હાઈકમાન્ડ માટે ઉમેદવાર પસંદગી 'લોઢાના ચણા ચાવવા' જેવી કઠિન બની રહેશે. દહેગામ અને કલોલ નગરપાલિકાના વોર્ડમાં પણ ઉમેદવારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે, જ્યાં સેંકડો કાર્યકરોએ ફોર્મ ભર્યા છે.

જિલ્લા પંચાયતની ૨૧ બેઠકો માટે ૧૨૧ દાવેદારો લાઈનમાં છે, જેમાં દહેગામમાં ૪૭ અને ગાંધીનગર તાલુકામાં ૫૮ દાવેદારોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની બેઠકો પર પણ સ્થિતિ કંઈક આવી જ છે. સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે હવે હાઈકમાન્ડ કોના નામ પર મહોર મારે છે તેના પર કાર્યકરોની મીટ મંડાયેલી છે. ભાજપ માટે આટલા બધા દાવેદારોમાંથી શ્રેષ્ઠ અને જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવી એ મોટો પડકાર સાબિત થશે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપમાં ટિકિટ માટેની આ ખેંચતાણ ચૂંટણી પરિણામો પર પણ અસર કરી શકે છે. જો નારાજ દાવેદારોને સાચવવામાં પક્ષ નિષ્ફળ જાય તો આંતરિક વિખવાદનો ભય પણ સતાવી રહ્યો છે. હાલમાં તો ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે ઉત્તેજનાનો માહોલ છે.