Loading Please Wait !!!
"વંથલી હાઈવે પર 'યમદૂત' આખલાનો આતંક: દિલાવરનગર પાસે બાઈક સવાર ગોપાલ વામજાનું કરુણ મોત"

  • તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો નિર્દોષ યુવાન - પરિવાર પર આભ ફાટ્યું, ગ્રામજનોમાં રોષ
  • હાઈવે ઓથોરિટી ક્યારે જાગશે? - વારંવાર અકસ્માતો છતાં પાંજરાપોળ મોકલવાની તસ્દી લેવાતી નથી
  • પૂર્વ સદસ્ય દીપેશ બારૈયાનો આક્રોશ: "ઢોરને પૂરવા માટે તંત્ર કેમ કોઈ નક્કર નિર્ણય લેતું નથી?"

જુનાગઢ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જાણે જીવલેણ શ્રાપ બની ગઈ છે. વંથલી હાઈવે પર આવેલા દિલાવરનગર પાસે મોડી રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બની હતી. રસ્તા પર અચાનક આડો ઉતરેલા કદાવર આખલા સાથે બાઈક અથડાતા 45 વર્ષીય ગોપાલ વામજા નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાયો છે અને સ્થાનિક લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોપાલભાઈ પોતાની મોટરસાયકલ પર વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દિલાવરનગર પાસે એક 'ધણખૂટ' અચાનક તેમની બાઈક આડો ઉતર્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ગોપાલભાઈ ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં જ તેમનું મોત થયું હતું.

આ ઘટના અંગે વંથલીના પૂર્વ સદસ્ય દીપેશ બારૈયાએ સણસણતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "અહીં રખડતા ઢોરનો આતંક યમદૂત સમાન બની ગયો છે. વારંવાર રજૂઆતો છતાં હાઈવે ઓથોરિટી કે નગરપાલિકા તંત્ર જાગતું નથી. કોઈનો વંશ ઉજાઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું બંધ કરી, આ આખલાઓને તાત્કાલિક પાંજરાપોળ ભેગા કરવા જોઈએ."

અકસ્માતને પગલે વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ હાઈવે પર રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. હવે જોવાનું એ રહે છે કે આ બલિદાન બાદ તંત્ર જાગશે કે હજુ વધુ અકસ્માતોની રાહ જોશે.